અઠવાડિયામાં કેટલી વાર સંભોગ કરીએ તો નોર્મલ કહેવાય?

Blogs, Health

ડૉ. મુકુલ ચોકસીની કલમે દર શનિવારે વાંચો : સેક્સ અંગેના અઘરા સવાલોનાં તદ્દન સહેલા જવાબ!

ડૉ. મુકુલ ચોકસી

 

અમારે સમાગમની સંખ્યા બાબતે ઘણીવાર ગંભીર ઝગડો થાય છે. અમારા બન્નેની ઉંમર અઠ્ઠાવીસ વર્ષની છે. અમે ત્રણ વર્ષ પૂર્વ પ્રેમલગ્ન કર્યાં છે. અઠવાડિયામાં કેટલીક વાર સંભોગ કરીએ તો નોર્મલ કહેવાય તે જણાવશો. અમારા આખા જીવનનો સવાલ છે.

આનો ઉત્તર મેળવતાં પહેલાં કેટલીક ઐતિહાસિક વિગતો જોઇએ. ફ્રેંચ નોવેલિસ્ટ સાઇમેનોને એવું જાહેર કર્યું હતું કે, તેણે દસ હજાર સ્ત્રીઓ સાથે સહશયન કર્યું હતું. તો ફિલોસૉફર ઇમેન્યુઅલ કાન્ટે પોતાના આખા જીવન દરમિયાન ક્યારેય જાતીય સમાગમ કર્યો જ નહોતો! ફ્રેંચ રીવોલ્યુવેશન પહેલા થઈ ગયેલા કોઈક મેલે ડુબોઇસ નામના શખ્સે પોતાના જીવનભરના શૈયાસાથીઓની આખી દીર્ઘ યાદી બનાવી હતી, જેમાં સોળ હજાર પાંચસો સત્તાવીશ નામો હતાં. તો અનેક સાધુ-સાધ્વીઓ એવા પણ હોય છે, જેઓએ જીવન પર્યંત એકેય વાર જાતીય સહચર્ય ન ભોગવ્યું હોય!

આ વિગતનું તાત્પર્ય ચર્ચતા પ્રસિદ્ધ સાઇકોલૉજિસ્ટ આઇઝેન્ક કહે છે કે, માનવ સ્વભાવ અમર્યાદિત વેરીએશન્સ ધરાવે છે. સમાગમની સંખ્યામાં આ જ વાત છે. બોસ્ટન સ્ટેન્ગલરની પત્નીએ પોતાની જુબાનીમાં જણાવ્યું હતું કે, તેનો શૈયાસાથી રોજ ઓગણીસવાર તેણીને પરાણે સમાગમ કરવા માટે દબાણ કરતો હતો. તો કેથેરાઇન ધ ગ્રેટે રોજ છ વાર સંભોગ કરવાનો અનુરોધ કર્યો હતો. તે પોતે પણ પોતાના અનુરોધનું પાલન કરતી હતી. આફ્રિકાના ટોંગા પ્રદેશના રાજા ‘લાપેટાકાકા બીજા’ને જ્યારે કેપ્ટન કૂક મળ્યા ત્યારે તેઓ (રાજા)ની ઉંમર એંશી વર્ષની હતી. તે વખતે પણ તેઓ પોતાની કહેવાતી ફરજના ભાગ રૂપે ટોંગા પ્રદેશની દરેક કુંવારી છોકરીને પહેલીવાર ભોગવવાનું કર્મ (કે દુષ્કર્મ?) દિવસમાં દસેકવાર કરતા હતા.

આ બધી હકીકતો સત્ય હોય તો પણ આવી વાયકાઓએ સમાજમાં સરવાળે તો ગેરસમજ જ ફેલાવી છે. હકીકતમાં મોટાભાગનાં સ્ત્રી-પુરુષો સરવાળે અઠવાડિક બે થી પાંચ વાર જાતીય સમાગમ કરતાં હોય છે. લગ્નજીવનના શરૂઆતનાં વર્ષોમાં આ સંખ્યા સહેજ વધારે હોય છે. પણ આ આંકડો મોટાભાગના લોકોનો છે. બધાં લોકોનો નહીં. લગભગ પાંચેક ટકા લોકો એવા હશે, જેઓ રોજ એકવાર (અને ક્યારેક એકથી ય વધારે વાર) જાતીય સુખ માણતા હોય. તો બીજા પાંચ સાત ટકા એવા હશે, જેઓ મહિને એકાદ બે વાર જ સેક્સનો આનંદ લેતા હોય! બંને છેડે આવેલા આ દસ-પંદર ટકા લોકો પણ નોર્મલ જ છે. ‘ધ સાઇકોલોજી ઓફ સેક્સ’ નામના પોતાના પુસ્તકમાં ‘હ્યુમન ડાઇવર્સિટીઝ તથા વેરીએબિલિટી’ અંગેની આ વાત આઇઝેન્કે ખૂબ જ સરસ રીતે દર્શાવી છે.

કેટલાક નવપરિણીત યુગલો ટૂંકા સમયગાળા માટે જરા પણ જાતીય પ્રવૃત્તિઓ નથી કરતા હોતા તો કેટલાક યુગલો દિવસમાં ઘણીવાર સમાગમરત થતાં હોય છે. આ બંને વસ્તુઓ અલ્પગાળા માટે નોર્મલ હોઈ શકે છે. સામાન્ય રીતે મનાય છે કે, જેમ જેમ લગ્નજીવન આગળ વધે છે તેમ તેમ સમાગમની સરેરાશ સંખ્યા ઘટે છે. પણ હમેશાં એવું ય નથી હોતું. કેટલાંક યુગલો સ્પષ્ટ રીતે જેમ જેમ સમય વહે છે, તેમ તેમ વધુ રોમાંચ કેળવતા જાય છે અને તેઓની સમાગમ સંખ્યા પણ ધીમે ધમી વધે છે. વળી, ભણતર કે સામાજિક દરજ્જાને પણ સમાગમની સંખ્યા સાથે ઝાઝો સંબંધ નથી. અને ધાર્મિક સંસ્કારોનો પ્રભાવ પણ અચોક્કસ છે. સામાન્ય રીતે ધાર્મિક રૂઢિચુસ્ત કુટુંબમાંથી આવતાં સ્ત્રીપુરુષો ઓછી માત્રામાં કામક્રીડા આચરતા જોવા મળે છે. પણ રેડબુક સર્વેમાં આ પ્રચલિત માન્યતા કરતાં ઊધું જ પરિણામ જોવા મળ્યું હતું. તેમાં એવું જણાયું કે, ધાર્મિક રીતે કેળવાયેલી સ્ત્રીઓ પણ બિનધાર્મિક સ્ત્રીઓ જેટલી માત્રામાં જ સમાગમ ઇચ્છે તથા કરે છે. અલબત્ત, આ તારણ આપણા સમાજનું નથી.

તમે એટલું સમજ્જો કે, ઘણીવાર સમાગમની સંખ્યા અંગે પતિ-પત્ની વચ્ચે મતભેદ પ્રવર્તતો હોય છે. તે દૂર કરવા કોઈ નિયમ ન ટાંકી શકાય. તમે અઠવાડિયે પાંચ વાર સેક્સ ભોગવવા ઇચ્છતા હોય અને પત્ની બે જ વાર તૈયાર હોય તો? આ સમસ્યાના નિવારણ માટે બંનેએ અત્યાગ્રહો, આક્ષેપો પડતા મૂકવા પડે. બંનેએ સ્વીકારવું પડે કે, બંને નોર્મલ હોવા છતાંય આવું બની શકે. ”તમે પશુ જેવા છો” કે ”હું તને ગમતો જ નથી” – જેવા આરોપોથી કોઈ સમસ્યા ઉકલતી નથી, બલકે વધી જાય છે.