અધૂરા ભણતરને કારણે મને શરીર સંબંધ કઈ રીતે થાય છે એ ખબર નથી, મારે એની વિગતો કઈ રીતે જાણવી ?

Blogs

ડૉ. મુકુલ ચોકસીની કલમે દર શનિવારે વાંચો : સેક્સ અંગેના અઘરા સવાલોનાં તદ્દન સહેલા જવાબ!

ડૉ. મુકુલ ચોકસી

 

મારાં લગ્ન ટૂંક સમયમાં થનાર છે. અધૂરા ભણતરને કારણે મને શરીર સંબંધ કઈ રીતે થાય છે એ ખબર નથી. મારે એની વિગતો કઈ રીતે જાણવી  ?

સ્ત્રી-પુરુષનાં શરીર-મિલનને ચાર તબક્કાઓમાં વર્ણવી શકાય. પ્રથમ તબક્કો દેહાકર્ષણનો હોય છે. જ્યારે પતિ-પત્ની એકમેકની નિકટ આવે છે. બંનેના મનમાં કામવાસના જાગૃત થાય છે તથા દેહસંયોગની અદમ્ય લાલસા જાગી ઊઠે છે. બીજા તબક્કામાં સ્ત્રી-પુરુષમાં અલગ અલગ અસર દેખાય છે. કામાસક્ત પુરુષ બીજા તબક્કામાં જનનેન્દ્રિયના ઉત્થાનનો અનુભવ કરે છે. અને સ્ત્રી યોનિમાર્ગમાં સ્ત્રાવ, ભીનાશ કે ચીકાશનો અનુભવ કરે છે. આ તમામ સમય સ્પર્શ, ચુંબન, આલિંગન, સાંનિધ્ય, શાબ્દિક વ્યવહાર તથા પરસ્પર હૂંફની આપ-લેનો હોય છે. ત્યાર બાદ ત્રીજો તબક્કો યોનિપ્રવેશનો આવે છે. સ્ત્રી-પુરુષનાં જનનાંગો એકમેકમાં પ્રવેશ પામે છે, અને હળવા ઘર્ષણ સહિત ગતિશીલ બને છે. સમાગમની ક્ષણો આગળ વધે છે. અને આનંદની તીવ્રતા વધતી રહે છે. છેવટે એ ક્ષણ આવી પહોંચે છે જ્યારે સ્ત્રી-પુરુષ (એક સાથે યા વારાફરતી) કામાનંદની ચરમ સીમાએ પહોંચે છે. એ ક્ષણે પુરુષના વીર્યનું સ્ખલન થાય છે. પહેલા ત્રણ તબક્કાઓ સ્વૈચ્છિક હોય છે. જ્યારે ઓર્ગેઝમનો યા ચરમસીમાનો ચોથો તબક્કો અનૈચ્છિક રીતે, આપમેળે આકાર લે છે. સ્ખલન પૂર્ણ થયા બાદ – પુરુષની જનનેન્દ્રિય શિથિલ થતાં જનનાંગો અલગ થાય છે. સ્ખલનની ક્ષણે ઝડપી બનેલા ધબકારા તથા શ્વાસોચ્છવાસ મંદ પડે છે. સ્નાયુઓમાં તણાવ ઘટે છે. અને સમાગમ પૂર્ણ થાય છે. સામાન્યતઃ શરૂઆતના સંવનનનો સમય લાંબો હોય છે. લગ્ન પૂર્વે સંબંધ બાંધતાં યુગલો અથવા તો નવપરિણીતોમાં પહેલો તબક્કો કલાકો સુધી ય ચાલી શકે. યોનિપ્રવેશ પછીનો તબક્કો કેટલીક મિનિટોમાં સમેટાતો હોય છે અને સ્ખલનનો તથા ચરમસીમાનો ગાળો સેંકડોમાં પૂર્ણ થતો હોય છે. અલબત્ત, આમાં અનેક વેરીએશન્સ શક્ય છે.

 શું વીર્ય પીવાથી પૌરુષ વધે છે  ? તથા જાતીય તાકાતમાં વધારો થાય છે ખરો ? આવો પ્રયોગ મારા કેટલાક મિત્રો કરે છે. તો શું એમ કરવું સલાહભર્યું છે ?

જી, ના. આવી કોઈ શક્તિ વીર્યમાં હોવાનું જણાયું નથી. હકીકતમાં પૌરુષ એ એવી સંકુલ વસ્તુ છે જે કોઈ ખોરાક ખાવા-પીવાથી વધતું કે ઘટતું નથી. આથી આમ કરવાની સલાહ આપી શકાય નહીં.