હોસ્પિટલમાં ફરી અગ્નિકાંડ : જીવતા ભુંજાયા 10 નિર્દોષ બાળકો

India
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

દેશમાં ફરી એક હોસ્પિટલ અગ્નિકાંડ સર્જાયો હોવાની દિલ દહેલાવતી ઘટના સામે આવી છે. ગુજરાત બાદ હવે મહારાષ્ટ્રમાં પણ હોસ્પિટલ અગ્નિકાંડમાં માસુમો જીવતા ભૂંજાયા હોવાનું સામે આવી રહ્યું છે. મહારાષ્ટ્રના ભંડારામાં જિલ્લા હોસ્પિટલમાં લાગેલી આગમાં ૧૦ બાળકોનાં મોત નીપજયાં છે. પ્રાપ્ત પ્રાથમિક વિગતો મુજબ, બીમાર નવજાત શિશુઓને રાખવામાં આવેલા હોસ્પિટલનાં આઈસીયુ (એસએનસીયુ) માં આ આગ લાગી હતી. આગ રાત્રે ૨ વાગ્યે શરૂ થઈ હતી.

મળતી માહિતી અનુસાર, ૧૦ બાળકોનો ભોગ લેનાર આગ્નિકાંડમાં જો કે, ૭ બાળકોને સુરક્ષિત રીતે બચાવવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર આગ શોટ સર્કિટને કારણે લાગી હતી. ડિસ્ટ્રિકટ હોસ્પિટલના સિવિલ સર્જન ડો.પ્રમોદ ખંડાટેના જણાવ્યા અનુસાર રાત્રે ૨ વાગ્યાની આસપાસ હોસ્પિટલના બીમાર નવજાત કેર યુનિટ (એસએનસીયુ) માં આગ લાગી હતી. આગમાં ૧૦ બાળકો બળીને મોતને ભેટ્યા હતા અને ૭ બાળકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભંડારાની જિલ્લા હોસ્પિટલમાં મોડી રાત્રે શોર્ટ સર્કિટના કારણે બાળકોના વોર્ડમાં આગ લાગી હતી. આ વોર્ડમાં કુલ ૧૭ બાળકો હતા. વોર્ડમાંથી ધુમાડો નીકળતો જોઇને નર્સ પહેલા સૌને ચેતવણી આપી હતી અને બધા જ વોર્ડમાં પહોંચ્યા ત્યાં સુધીમાં ૧૦ બાળકોએ જીવ ગુમાવ્યો હતો. જોકે, ત્યાં હાજર ૭ બાળકોને સુરક્ષિત રીતે બચાવવામાં આવ્યા છે.

વિવિધ અહેવાલ પ્રમાણે હોસ્પિટલમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. ઘટના દરમિયાન ગત રાત્રે જિલ્લા સરકારી હોસ્પિટલના આઉટ બોર્ન યુનિટમાં ધુમાડો દેખાયો હતો. હાજર નર્સે દરવાજો ખોલ્યો તો અંદર આગ લાગી હતી. જે બાદમાં અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. આ સમયે હોસ્પિટલ ખાતે હાજર લોકો અને ફાયર બ્રિગેડના સ્ટાફે બચાવ કામગીરી શરૂ કરી હતી.

ઉલ્લેખનીય છે કે આ વિભાગમાં આઉટ બોર્ન અને ઇન બોર્ન એમ બે વિભાગ છે. જેમાં ઇન બોર્ન વિભાગના સાત નવજાત શિશુ સુરક્ષિત છે, જયારે ૧૦ નવજાતનાં મોત થયા છે. આ જાણકારી સિવિલ સર્જન પ્રમોદ ખંદાતે આપી હતી.

એક ડોકટરે જણાવ્યું હતું કે, મોતને ભેટેલા બાળકોની ઉંમર એક મહિનાથી લઈને ત્રણ મહિના સુધીની હતી.  જે શહેરમાં આ બનાવ બન્યો છે તે ભંડારા મહારાષ્ટ્રની રાજધાની મુંબઈથી ૯૦૦ કિલોમીટર દૂર આવેલું છે.

નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં હોસ્પિટલોમાં આગની ઘટના નવી વાત નથી. ગત વર્ષે સપ્ટેમ્બરમાં રાજયના પશ્યિમ ક્ષેત્ર કોલાપુર સ્થિત એક હોસ્પિટલમાં આગ લાગી હતી. છત્રપતિ પ્રમિલા રાજે શાસકીય હોસ્પિટલમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. જે સમયે આગ લાગી હતી ત્યારે હોસ્પિટલમાં ૪૦૦થી વધારે કોવિડ-૧૯ દર્દીઓની સારવાર ચાલી રહી હતી.