ભારે વરસાદથી ખેડુતોની ચિંતામાં વધારો : સૌરાષ્ટ્રમાં લીલા દુકાળનો ભય!

India
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

ગુજરાતમાં આગામી ૪૮ કલાક ભારે વરસાદની આગાહી વચ્ચે રાજયમાં છેલ્લા થોડા દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. જો કે હાલ પડી રહેલા સાર્વત્રિક વરસાદને લઇને સૌરાષ્ટ્રમાં લીલા દુષ્કાળના ભણકારા વાગી રહ્યાં છે. સૌરાષ્ટ્રમાં સિઝનનો ૧૩૪ ટકા વરસાદ થયો છે. રાજયમાં પડેલા સાંબેલાધાર વરસાદના પગલે પાકને ભારે નુકસાન થયું હોવાની ભીતિ સેવવામાં આવી રહી છે.

હાલમાં પડી રહેલા રાજયમાં અતિભારે વરસાદના પગલે સૌરાષ્ટ્રમાં પડેલા વરસાદના કારણે લીલા દુષ્કાળની ભીતિ સેવાઇ રહી છે. સૌરાષ્ટ્રમાં સિઝનનો ૧૩૪ ટકા વરસાદ નોંધાયો છે.

સૌરાષ્ટ્રમાં પડેલા અવિરત વરસાદના પગલે કપાસ, તલ, કઠોળ અને ડુંગળીના પાકને ભારે નુકસાન થઇ રહ્યું છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ દેવભૂમિ દ્વારકામાં ૨૬૬ ટકા વરસાદ વરસ્યો છે.

જયારે સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લામાં ૧૨૯ ટકા વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાવાથી પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઇ રહી છે. રાજયમાં સૌરાષ્ટ્ર સહિત કચ્છમાં મેઘરાજા મહેરબાન જોવા મળી રહ્યાં છે.

ભારે વરસાદને પગલે ખેડૂતોને નુકસાન : ડેમના પાણી વિનાશકારી સાબિત થઇ રહ્યા છે

અમદાવાદ તા. ૨૫ : ગુજરાતભરમાં અનરાધાર અને સતત પડી રહેલા વરસાદના કારણે ખરીફ પાકને નુકસાન પહોંચ્યું છે. જેમાં તલમાં સૌથી વધુ નુકસાન થયું છે. મગફળીમાં સફેદ ફૂગ આવી ગઈ છે. કપાસમાં ચુસિયા નામનો અને બાજરીમાં ગુદરિયા નામનો રોગ ફેલાયો છે.

નદી કાંઠાના, નીચાણવાળા તેમજ ડેમના નીચાણવાળા વિસ્તારમાં આવેલા ખેતરો માટે ડેમના પાણી વિનાશકારી સાબિત થઈ રહ્યા છે. કારણ કે ડેમમાંથી પાણી છોડાતા ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે.

ખેતી નિષ્ણાંતોના મતે જો હજુ ચાર દિવસ આવોને આવો વરસાદ રહેશે તો ખરીફ પાકને ખુબ મોટું નુકસાન થઈ શકે છે. મહત્વનું છે કે અત્યાર સુધી રાજયમાં ૮૨ લાખ ૮૯ હજાર હેકટરમાં ખરીફ વાવેતર થયું છે. ૨૪ ઓગસ્ટ સુધી રાજયમાં ૯૭.૭૪ ટકા ખરીફ વાવેતર સંપન થઈ ચુકયું છે.

ગુજરાતમાં રાજય માટે હજુ પણ આગામી ૨૪ કલાક ભારે છે. આજે રાજયના કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. હાલમાં રાજસ્થાન પાસે એક લોપ્રેશર સર્જાયું છે. તો અરબી સમુદ્રમાં એક સાઈકલોનિક સરકયુલેશન પણ સર્જાયું છે. જેના કારણે રાજયમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક સ્થળોએ આજે અને આવતીકાલે ધોધમાર વરસાદ વરસી શકે છે. મોરબી, દ્વારકા, પોરબંદર,જૂનાગઢ, બનાસકાંઠા, પંચમહાલ, દ્વારકા, દાહોદ, પાટણ, સાબરકાંઠા, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ડાંગ, તાપી, ભરૂચ, નર્મદા, વડોદરા અને અમદાવાદમાં ભારે વરસાદ પડવાની શકયતા છે. ભારે વરસાદની આગાહીના પગલે બે દિવસ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામા આવી છે. હવામાન વિભાગના મતે રાજયમાં અત્યાર સુધીમાં સિઝનના સરેરાશ વરસાદ કરતા ૧૮ ટકા વધુ વરસાદ વરસી ચૂકયો છે.