દિલ્હીમાં ભારે વરસાદ: પૂર જેવી સ્થિતિ

India
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

દિલ્હી-એનસીઆરમાં સતત બે દિવસથી ભારે વરસાદ થઇ રહ્યો છે. ગઇકાલે આખીરાત દિલ્હી-એનસીઆરમાં વાદળ વરસતા રહ્યા અને આજે સવારથી સતત વરસાદ વરસી રહ્યો છે. વરસાદ બાદ લોકોને ગરમીથી રાહત મળી, પરંતુ ચારેકોર પાણી ભરાયા હોવાના કારણે દિલ્હીવાસીઓ હેરાન-પરેશાન થઇ ગયા છે. સતત વરસી રહેલા વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. ઠેર-ઠેર માર્ગો પર અનેક ફૂટ પાણી ભરાઇ જતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે.

રસ્તા પર પાણી ભરાવાના કારણે ટ્રાફીકમાં સમસ્યા સર્જાય રહી છે. ગઇકાલે પણ દિલ્હી એનસીઆરમાં ભારે વરસાદ થયો હતો. દિલ્હી, નોએડા, ગુરૂગ્રામ અને ગાજીયાબાદમાં ર૪ કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે.

હવામાન વિભાગે જણાવ્યું કે, દિવસમાં હજુ પણ ભારે વરસાદની શકયતા છે. ગુરૂગ્રામમાં પણ અનેક સ્થળો પર કારો  પાણીમાં ડુબી ગઇ હતી અને કલાકથી પડી રહેલા વરસાદમાં ઘરોમાં પાણી ઘુસી ગયા છે. દિલ્હીના અનેક વિસ્તારોમાં અનરાધાર વરસાદના કારણે દિવાલો ઘરની પડી છે તેમજ ડઝનો ગાડીઓ દિવાલ નીચે હોવાથી ભારે નુકશાન થયું છે.