સેક્સ કેવી રીતે થાય એ શીખવું પડશે? કે એમ જ આવડી જશે?

Blogs, Health

ડૉ. મુકુલ ચોકસીની કલમે દર શનિવારે વાંચો : સેક્સ અંગેના અઘરા સવાલોનાં તદ્દન સહેલા જવાબ!

ડૉ. મુકુલ ચોકસી

સેક્સ એ શીખવાની વસ્તુ છે? કે પછી એમ જ આવડી જતી વસ્તુ છે?

સેક્સ એ મૂલતઃ ઇન્સ્ટીંકટ છે. જેમ ભૂખ, તરસ, ઊંઘની જરૂર માણસને આંતરે આંતરે (ચક્રાકારે) ઉદ્ભવે છે. આથી જેમ ખાતા, પીતા અને ઊંઘતા બાળકને જન્મ સમયથી આવડી જાય છે તેમ સેક્સ ભોગવતાં પણ ઉંમર થતાં આવડી જવું જોઇએ. અલબત્ત, પ્રાણીઓ સેક્સ ભોગવે જ છે. તેઓ ક્યાંય શીખવા નથી જતાં. પરંતુ સમાજમાં રહેતા મનુષ્યની વાત અલગ છે. ઊંઘ, ભૂખ ભોગવવામાં કોઈ સામાજિક અંતરાય નથી.

જ્યારે સેક્સ ભોગવવા આડે અનેક મર્યાદાઓ, નિયંત્રણો છે. વળી સેક્સ ન કરી શકાય તો વ્યક્તિ અનહદ અપમાનિત થાય છે. આમ તેણે સતત માનસિક દબાણ હેઠળ રહેવું પડે છે. જાતીયતા અંગેના છોછને લીધે લોકોને સેક્સ પાર્ટનરની શરીરરચનાની પૂરતી માહિતી પણ નથી હોતી. આ બધાં કારણોસર સેક્સ પ્રાકૃતિક હોવા છતાં ઘણા માણસોએ તે અંગે કેટલુંક અવશ્ય શીખવું પડતું હોય છે.

 

મને હમણાં મેલેરિયા થઈ ગયો હતો. હવે હું સાજો છું. સેક્સ ભોગવવાની શરૂઆત કયારથી કરી શકું?

તમને અને તમારાં પત્નીને ઇચ્છા થવા માંડે ત્યારથી.

 

અમારાં લગ્ન થયાને ચાર મહિના થયા છે. તોપણ મારી વાઇફને મહિના નથી રહ્યાં. તેનાં સેક્સના દ્વારમાં કંઈક તકલીફ હોય એમ લાગે છે. કેમકે સંભોગ બાદ વીર્ય તરત જ તેના શરીરમાંથી બહાર નીકળી આવે છે. અમે ઘણી બધી સ્થિતિમાં કોશિશ કરી જોઈ પણ દરેક સ્થિતિમાં આમ જ બને છે. આને કારણે તેને મહિના નથી રહેતાં.

આપની ધારણા ખોટી છે કે, સ્ત્રીનાં દ્વારની તકલીફને લીધે, આપ સંતાનસુખથી વંચિત રહ્યા છો. વીર્યમાં શુક્રાણુઓ (પુરુષબીજ, સ્પર્મ્સ, શુક્રજંતુઓ) ઉપરાંત પ્રવાહી (સેમિનલ ફલ્યુઇડ) હોય છે. વીર્યનો નવ્વાણું ટકાથી ય વધારે ભાગ આ સેમિનલ ફલ્યુઇડથી બનેલો હોય છે. આપની પત્નીના જાતીય દ્વારમાંથી સમાગમ બાદ જે કંઈ બહાર નીકળી આવતું દેખાય છે તે સેમિલન ફલ્યુઇડ માત્ર છે. વાસ્તવમાં શુક્રાણુ કે જે ફલન તથા ગર્ભધારણ માટે જરૂરી છે તે તો યોનિમાર્ગની દીવાલો સાથે ચોંટીને ગર્ભાશય તરફ ગતિ કરી જાય છે. આથી બહાર નીકળી જતાં પ્રવાહીમાં ગતિશીલ શુક્રાણુઓ ખાસ હોતાં નથી. આથી આપે ચિંતા કરવી જરૂરી નથી.

વળી આપનાં લગ્નને હજુ ચાર જ મહિના થયા હોવાથી શક્ય છે કે, આપના બેઉમાંથી કોઈનામાં કશી ખામી ન હોય. પ્રયત્નો છતાં ય લગ્ન બાદના પહેલા ચાર છ મહિના ગર્ભ ધારણ ન થાય એ કુદરતી રીતે ય શક્ય છે. મારી સલાહ છે કે, આપનાં પત્નીને કોઈ સારવાર તપાસથી જરૂર નથી.