‘હવે એ હૂંફ નહીં રહી…’

Blogs
  • વિક્રમ વકીલ

અહમદ પટેલનાં મૃત્યુના આઘાત – દુઃખ અને મારી ખરાબ તબિયતને કારણે લખતા થોડુ મોડુ થઈ ગયું છે.

અહમદભાઈની રાજકિય શક્તિઓ, વફાદારી તેમજ એમની સજ્જનતા, સંવેદનશીલતા, ઉદારતા, મહાનતા વિશે પણ એમને ઓળખનારાઓ પરિચિત હશેજ. એ વિશે વધુ પૂનરાવર્તન કરવાનું આવશ્યક નથી.

અહમદભાઈ સાથે 30 વર્ષની મિત્રતા ઉપરાંત અંગત સ્વજન સેવા સંબંધ હતા. કોઈની પણ સાથે તેઓ મારી ઓળખાણ કરાવે ત્યારે ‘મારા ફેમિલી ફ્રેન્ડ’ જેવા શબ્દો વાપરે. મારા સારા-નરસા પ્રસંગોએ હંમેશા તેઓ મારી સાથે રહ્યા. મારી કેટલીક મુર્ખાઈ ભરેલી, બાલિશ હરકતો માટે અંગત સ્વજનની જેમ ઠપકો આપતા અને માફ પણ કરતાં. જ્યારે પણ જીંદગીના કપરા સમયમાંથી પસાર થઈ રહ્યો હોંઉ ત્યારે મનમાં એક હૂંફ રહેતી. ‘અહમદભાઈ છે ને… બધુ ઠીક થઈ જશે.’

23, મધરટેરેસા, ક્રિસેન્ટ રોડ, નવી દિલ્હીના તેમના નિવાસ્થાને રાત્રે બે-ત્રણ વાગ્યાના એકાંતમાં અમે ઘણી નિખાલસ વાતો કરી છે જે અમારી વચ્ચે જ રહી છે અને રહેશે. એમને મારા પર એટલો બધો ભરોસો કે અમે બે બેઠા હોઇએ અને તેઓ ફોન પર દેશના મોટા સત્તાધિશો સાથે ખાનગી અને સંવેદનશીલ વાતો પણ બેધડક કરે. અહમદભાઈ સાથેના સંબંધમાં હું પત્રકાર નહીં અને તેઓ રાજકારણી નહીં. ફક્ત નિર્ભેળ મિત્રતા. કોઈ અંગત સ્વજન પર પણ નહીં હોય એટલા એમના અગણીત ઉપકારો મારા પર છે. કોઈપણ અપેક્ષા વગર લખાણમાં કયારેક અકસ્માતે એમના વિશે સારું લખાય જાય તો તરત જ ઠપકાનો ફોન આવે. મારા મેગેઝિનમાં એક જ વખત કવર પર બીજા રાજકારણીઓની સાથે સ્ટોરીને અનુરુપ હોવાથી એમનો પણ ફોટો છાપ્યો હતો તો તે પણ એમને ગમ્યું નહોતું! કોઈ દંભ નહીં, પરંતુ પ્રકૃતિએજ તેઓ ‘મીડિયા શાય’ હતા. ઝાઝી ડંફાસ કે બૂમબરાડા વગર એમને કામ કરવાનું ગમતું. હું અને મારો પુત્ર પલાશ સાથે એમને મળ્યા હોઇએ તો હસતા હસતા કહે : ‘હવે પલાશ મોટો થઈ ગયો છે. મને યંગ જનરેશન સાથે વાતો કરવાની વધુ મઝા આવે છે.’ અને ખરેખર મારા કરતાં પલાશ સાથે વધુ વાતો કરે!

કોઈક વખતે રાજકીય બાબતો વિશે ચર્ચા કરીએ અને કોઈ સજેશન કરું તો તરત જ સ્વિકારી લે કે ‘તમારું સુચન સારું છે, અમલમા મુકીશું.’

દિલ્હીનુ એમનું નિવાસ્થાન એટલે નાના મોટા દરેક માટે આશાનું કેન્દ્ર. કોઈપણ પક્ષ, કોઈપણ કામ કે કોઈપણ રાજ્યની વ્યક્તિ દિલ્હી ગઈ હોય અને તકલીફમાં હોય તો એમના સ્ટાફને સ્ટેન્ડીંગ સૂચના : આપણે ત્યાં મદદની આશાએ આવેલી કોઈપણ વ્યક્તિ નિરાશ થઈને જવી જોઈએ નહીં.

મારા થોડા ઉગ્ર સ્વભાવથી પરિચિત. ખૂબ સંભાળ રાખે. કેન્દ્રમાં મુરલી દેવરા જ્યારે પ્રધાન હતા ત્યારે મારે એમને મળવુ હતું. અહમદભાઈએ મુરલી દેવરાને ફોન જોડ્યો. કહ્યું કે વિક્રમ વકીલ 10 મિનિટમાં તમારે ઘરે પહોંચશે. સિક્યુરિટીને કહી દેજો એકપણ મિનિટ રાહ જોવડાવ્યા વગર એમને તાત્કાલિક તમારી પાસે લઈ જાય!

કોંગ્રેસ સત્તામાં હોય કે નહીં હોય, બ્યૂરોક્રસી અહમદભાઈને ખુબ જ માન આપે. અહમદભાઈ માટે તમામ સરકારી બાબુઓને ખુબ પ્રેમ. કોઈની પણ સરકાર હોય, અહમદભાઈનું કામ કરી આપવામાં બધાને ખૂબ ખુશી થાય.

પોતે કોઈના માટે કંઈ પણ કર્યું હોય તો એનો કોઈ ભાર રાખે નહીં. હંમેશા મનના ખુલ્લા. એમના સ્ટાફને પણ એવાજ સંસ્કાર આપેલા. સ્વાભાવિક છે કે યુપીએ સરકાર સત્તામાં હતી ત્યારે અહમદભાઈ દેશના બીજા નંબરના સૌથી વધુ શક્તિશાળી વ્યક્તિ ગણાતા. ખૂબ જ બિઝી હોય. કોંગ્રેસના મુખ્યમંત્રીઓ અને કેન્દ્રિય મંત્રીઓ પણ અહમદભાઈની એપોઇન્ટમેન્ટ મેળવવા લાઈનમાં હોય. આમ છતાં એમની લાગણીને કારણે મને કદી એવો અનુભવ થયો નહોતો કે એમણે મળવાનુ ટાળ્યું હોય.

એક વખત મોડી રાતની મુલાકાત વખતે તેઓ થોડા વ્યગ્ર લાગ્યા. કહ્યું કે : ”આ બધુ છોડીને હવે ગામ જઈને ખેતી કરવી છે. રાજકારણ ખુબ ગંદુ થઈ ગયું છે.” ફક્ત કોંગ્રેસ પ્રત્યેના પ્રેમ અને ગાંધી કુટુંબ પ્રત્યેની વફાદારીને કારણે જ તેઓ રાજકારણમાં સક્રિય રહ્યા હતા. તેઓ ઇચ્છતે તો યુપીએ સરકારમાં કોઈપણ ખાતાના કેન્દ્રિય પ્રધાન બની શક્યા હોત. ઇવન રાષ્ટ્રપતિ પણ બની શક્યા હોત. એમણે કદી ‘ખુરશી’નો મોહ રાખ્યો નહોતો. એમના જેટલી ત્યાગની ભાવનાવાળી વ્યક્તિ મેં બીજી કોઈ જોઈ નથી.

આપણે ત્યાં કોર્પોરેટર બન્યા પછી પણ વ્યક્તિ મોંઘી ગાડીઓ અને વિશાળ બંગલામાં રહેતી થઈ જાય છે. અહમદભાઈએ જીંદગીભર અમ્બેસેડરથી વધુ મોંઘી ગાડી કે ટાઇટનની સામાન્ય ઘડિયાળથી વધુ મોંઘી ઘડિયાળ કદી વાપર્યા નથી. દિલ્હીથી પિરામણ ગામ આવવાનું હોય ત્યારે પણ ટ્રેનનો પ્રવાસ જ પ્રિફેર કરે. એમના જેટલી સત્તા હોય તો બીજા ચાર્ટર્ડ પ્લેન સિવાય ફરે નહીં. ભલભલા મુખ્યમંત્રીઓ અને કેન્દ્રિય પ્રધાનોને એમના વેઇટીંગરૂમમાં મિંદડીની જેમ બેઠેલા જોયા છે. આટલા શક્તિશાળી, છતાં સાદાઈ અને વિનમ્રતામાં કોઈ સાચા યોગી પુરુષ જેવા અહમદભાઈની ન પૂરી શકાય એવી અંગત ખોટ મને તો પડી જ છે, પરંતુ ગરીબ-જરૂયાતમંદોની આંખમાંથી આંસુ સુકાતા નથી. જો તેઓ ચાહતે તો દિકરા ફૈઝલ કે દિકરી મુમતાઝને આરામથી સાંસદ કે પ્રધાન બનાવી શકતે, પરંતુ એમને રાજકારણથી દુર જ રાખ્યા.

અહમદભાઈની એટલી બધી યાદો મનમાં છે કે ખૂબ ખૂબ લખી શકાય, પરંતુ બીક લાગે છે કે અહમદભાઈ કયાંક હમણા જ કહી નહીં દે કે, બસ થયું વિક્રમ, હવે બસ કર!