ગુજરાત કોરોનાથી મોતમાં નંબર વન

Gujarat
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

દેશમાં કોરોનાના કેસ ૧૦ લાખને પાર થઈ ચુકયા છે. ત્યારે કોરોનાથી થતાં મૃત્યુ મામલે ચોંકાવનારી હકિકત આંકડા મારફતે સામે આવી છે. શરૂઆતથી લઈને બુધવાર સુધીના કોરોનાના આંકડા પરથી એટલું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે કે અન્ય રાજયોની સરખામણીએ ગુજરાતમાં કોરોનાનો મૃત્યુદર સૌથી વધુ છે.

બુધવાર સુધી સત્તાવાર આંકડા જે સામે આવ્યા તે મુજબ ગુજરાતમાં કોરોનાથી ૪.૫૯ ટકા લોકો મૃત્યુ પામ્યા છે. કોરોનાથી થતાં મૃત્યુ મામલે ગુજરાત બાદ મહારાષ્ટ્ર બીજા ક્રમે આવે છે. મહારાષ્ટ્રમાં મૃત્યુદર ૩.૯૪ ટકા છે. ત્રીજા ક્રમે મધ્યપ્રદેશમાં કોરોનાથી થતાં મૃત્યુનો દર ૩.૩૮ ટકા છે. જયારે અન્ય બે રાજયો એવા છે જયાં કોરોનાથી મૃત્યુદર  ૩ ટકાથી ઓછુ છે.

દિલ્હીમાં કોરોનાની સ્થિતિ કાબુમાં આવી રહી છે તેવો દાવો કેજરીવાલ સરકાર કરી રહી છે  દિલ્માં કોરોનાથી થતાં મૃત્યુનો દર ૨.૯૯ ટકા જયારે પશ્યિમ બંગાળમાં ૧૦૦ દર્દીઓમાંથી ૨.૮૩ ટકા લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા છે.

કયા રાજયમાં સૌથી વધુ મૃત્યુદર

રાજયમૃત્યુદર (ટકામાં)
ગુજરાત૪.૫૯
મહારાષ્ટ્ર૩.૯૪
મધ્યપ્રદેશ૩.૩૮
દિલ્હી૨.૯૯
પ. બંગાળ૨.૮૩

રિકવરી રેટમાં ગુજરાત બીજા ક્રમે

કોરોનાથી થતાં મૃત્યુદર મામલે ગુજરાતની સ્થિતિ ચિંતાજનક છે તે વાત તો આપણે જાણી હવે વાત કોરોનાની બિમારીને મ્હાત આપીને સાજા થયેલા દર્દીઓની કરીએ. તો બુધવાર સુધીમાં દેશમાં પાંચ રાજયોના રિકવરી રેટનો ડેટા કાઢ્યો. સારી વાત એ છે કે રિકવરી રેટમાં ગુજરાત બીજા ક્રમે છે. દેશમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં છે.

કોરોનાનોરાજય કેસરિકવરી રેટ
મહારાષ્ટ્ર૨,૮૪,૨૮૧૫૫.૬
તમિલનાડુ૧૫૬,૩૬૯૬૮.૭
દિલ્હી૧,૧૮,૬૪૫૮૨.૩
કર્ણાટક૫૧,૪૪૨૩૮.૪
ગુજરાત૪૫,૫૬૭૭૦.૬

રાજયમાં અનલોક બાદ કોરોના વધ્યો

રાજયમાં અનલોક બાદથી કોરોનાના સંક્રમણની ગતિ વધી છે અને દર્દીઓનો આંકડો સતત વધી રહ્યો છે. ત્યારે અનલોક બાદ ૧૩ જુલાઇના રોજ ગુજરાતમાં પ્રથમ વખત ૯૦૨ કેસ નોંધાયા હતા. તો ૧૪ જુલાઇના રોજ ૯૧૫ કેસ નોંધાયા હતા. ૧૫ જુલાઇના રોજ ૯૨૫ કેસ નોંધાયા હતા. તો ગઇકાલ ૧૬ જુલાઇ ૯૧૯ કેસ અને આજે ૯૪૯ કેસ નોંધાતા લોકોમાં ચિંતા વધી રહી છે.

સુરતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. અમદાવાદ બાદ સૌથી વધુ સુરતમાં કેસ નોંધાઇ રહ્યા છે. આજે સુરતમાં ૨૩૪ નવા કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં સુરત કોર્પોરેશનમાં ૧૭૭ અને સુરત જિલ્લામાં ૫૭ કેસ નોંધાયા છે. આ સાથે સુરતમાં કોરોનાનો કુલ આંકડો ૯૧૪૧ પર પહોંચ્યો છે. સુરતમાં આજે ૩૫૧ દર્દીઓ સ્વસ્થ થયા છે. જેથી કુલ સ્વસ્થ થયેલા દર્દીનો આંકડો ૬૦૮૦ પર પહોંચ્યો છે. તો આજે સુરતમાં ૫ દર્દીઓના મોત થયા છે. આ સાથે સુરતમાં અત્યાર સુધીમાં કુલ ૨૪૨ દર્દીના મૃત્યુ થયા છે. સુરતમાં હાલ ૨૮૧૯ એકિટવ કેસ છે.

છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાં ૧૮૪ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં ૧૬૬ અને અમદાવાદ જિલ્લામાં ૧૮ કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કોરોનાનો કુલ આંકડો ૨૩,૯૬૪ પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે ૧૬૫ દર્દીઓ સ્વસ્થ થયા છે. જેને લઇને કુલ સ્વસ્થ થયેલા દર્દીઓનો આંકડો ૧૮,૬૮૮ પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે ૫ દર્દીઓના મોત થયા છે, જેની સાથે અમદાવાદનો કોરોનાથી મૃત્યુઆંક ૧૫૩૯ પર પહોંચ્યો છે. હાલ અમદાવાદમાં ૩૭૩૭ એકિટવ કેસ છે.