1 ઓક્ટોબરથી, ‘આરોગ્ય વીમા’ ના નિયમો બદલાશે: ગ્રાહક મૈત્રીપૂર્ણ બનશે. નવા રોગો ઉમેરવામાં આવશે

India
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

કોરોના આવ્યો છે ત્યારથી લોકો હેલ્થ ઈન્શ્યોરન્સને ખૂબ જ ગંભીરતાથી લેવા માંડ્યા છે. તેવામાં વીમા નિયમનકારી સંસ્થા IRDAI દ્વારા હેલ્થ ઈન્શ્યોરન્સની ગાઈડલાઈન્સમાં કેટલાક મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે, અને હવે ૦૧ ઓકટોબરથી હેલ્થ પોલિસી નવા અવતારમાં આવી રહી છે. જેના હેઠળ હવે વધુ બીમારીઓ અને હોસ્પિટલના બીજા ખર્ચા પણ આવરી લેવાશે. વીમા કંપની ઈન્શ્યોરન્સ વેચ્યા બાદ કેટલાક નિશ્ચિત સમયગાળા બાદ ગ્રાહકને કલેમ કરવાની છૂટ આપે છે. આ વેઈટિંગ પિરિયડ ૩૦ દિવસથી લઈને ૧ વર્ષનો હોઈ શકે છે. જોકે, હવે વીમા કંપનીઓને આ સમયગાળો પણ નિશ્ચિત કરવા માટે કહેવામાં આવ્યું છે.

નવી ગાઈડલાઈન્સ અનુસાર, હવે હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસીમાં વધુ રોગોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભવિષ્યમાં પણ વીમા કંપની વીમાધારક જે કામ સાથે સંકળાયેલો હોય તેના કારણે જો તેને કોઈ બીમારી થાય તો તેને વીમા હેઠળ આવરી લેવાનો ઈનકાર નહીં કરી શકે. આ સિવાય માનસિક રોગોનો ઉપચાર, ઉંમર સાથે સંકળાયેલી કેટલીક બીમારી, જન્મજાત બીમારી પણ ઈન્શ્યોરન્સમાં આવરી લેવાશે. આ સિવાયની કેટલીક સામાન્ય બીમારી જેવી કે ન્યૂરોડેવલપમેન્ટ ડિસોર્ડર, જેનેટિક બીમારીઓ તેમજ મોનોપોઝને લગતી બીમારીનો ઈલાજ પણ હેલ્થ ઈન્શ્યોરન્સમાં કરાવી શકાશે.

ઉંમર વધતા મોતિયો, ઘૂંટણના રિપ્લેસેન્ટ જેવી સર્જરી પણ કરાવવી પડે છે. તે પણ હવે હેલ્થ પ્લાનનો હિસ્સો બનાવાશે. આ સિવાય જોખમી કેમિકલ્સના યુનિટમાં કામ કરતા લોકોને લાંબા ગાળે શ્વાસ તેમજ સ્કીનની પ્રોબ્લેમ થાય છે. આ બીમારી પણ હેલ્થ ઈન્શ્યોરન્સના લિસ્ટમાં સમાવાશે. આ ઉપરાંત, જો તમારી વીમા કંપની ન્યૂરોલોજિકલ ડિસોર્ડર, કિડનીની ગંભીર બીમારી, એચઆઈવી એઈડ્સ જેવી બીમારીને કવર કરવા ના માગતી હોય તો તેને વીમા નિયમન સંસ્થા દ્વારા નક્કી કરાયેલા ફોર્મેટમાં જ તે અંગે માહિતી આપવી પડશે.

IRDAIએ ગયા વર્ષે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે જો ગ્રાહકે સતત આઠ વર્ષ સુધી પ્રિમિયમ ભર્યું હોય તો તેનો કલેમ અમુક ચોક્કસ સંજોગો સિવાય કોઈ હાલતમાં રિજેકટ થઈ શકે નહીં. આ બાબતને પ્રામાણિક વીમાધારકો માટે ખૂબ જ મોટી રાહત સમાન ગણાવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ એવા કેટલાક કિસ્સા સામે આવી ચૂકયા છે કે જેમાં વીમાધારકે ૧૦ વર્ષ સુધી પ્રિમિયમ ભર્યું હોય તો પણ દ્યણીવાર કંપની તેમના વીમા રિજેકટ કરી દેતી હતી.

પ્રિ-એકિઝસ્ટિંગ ડીસીઝ (PED)ની વ્યાખ્યામાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. વીમાધારકે વીમો લીધો હોય તેના ચાર વર્ષ પહેલા જે રોગનું નિદાન થયું હોય તે રોગ જ આ કેટેગરીમાં આવશે. તેવી જ રીતે ફિઝિશિયન દ્વારા પોલીસી ઈશ્યૂ થયાના ૪૮ મહિના પહેલા જે રોગ માટે સારવાર કે મેડિકલ એડવાઈઝ આપવામાં આવી હોય તેને પણ આ કેટેગરીમાં ગણવામાં આવશે. આ સિવાય વીમો લીધાના ત્રણ જ મહિનામાં જો કોઈ રોગ થાય તો તે પણ PEDમાં ગણાશે. જો પોલીસી હોલ્ડર PED ધરાવતો હોય તો પણ તેને જરુરિયાત મુજબનો વીમો મળી રહે તે માટે IRDAIએ જણાવ્યું છે કે ગ્રાહકને આ અંગે પૂર્ણ જાણકારી આપી PEDના વીમામાંથી બાકાત કરી શકે છે. IRDAIએ એ વાત પણ ખૂબ જ સ્પષ્ટતાથી જણાવી છે કે વીમો લીધા બાદ ગ્રાહકને કોઈપણ બીમારી થાય તો નિયમ પ્રમાણે વીમા કંપનીએ કલેમ પાસ કરવો જ પડે. આ બીમારીઓના લિસ્ટમાં અલ્ઝાઈમર, પાર્કિન્સન, એચઆઈવી એઈડ્સ, મેદસ્વીતાનો પણ સમાવેશ થાય છે.

જુન ૨૦૨૦માં IRDAIએ જણાવ્યું હતું કે વીમાધારક હપ્તામાં પણ પ્રિમિયમ ભરી શકશે. આ ઈન્સ્ટોલમેન્ટ માસિક, કવાર્ટરલી કે દર છ મહિને પણ ભરી શકાશે. જોકે, ગ્રાહકને તેની અનુમતિ આપવી કે નહીં તેનો નિર્ણય લેવા વીમા કંપનીઓને છૂટ આપવામાં આવી હતી. આ જોગવાઈનો મતલબ એ થયો કે જો તમે ૧૨,૦૦૦ રુપિયા પ્રિમિયમ ધરાવતો વીમો લીધો હોય, અને વીમા કંપની તમને જો છૂટ આપે તો તમે દર મહિને, ત્રણ મહિને કે છ મહિને હપ્તામાં પ્રિમિયમની રકમ ભરી શકો છો.