ચારેક વિદ્યાર્થીઓએ મારી ઉપર રેગીંગ કર્યું હતું

Blogs

ડૉ. મુકુલ ચોકસી

ચારેક વિદ્યાર્થીઓએ મારી ઉપર રેગીંગ કર્યું હતું. તેઓએ મારા શિશ્ન સાથે ગંદા ચેનચાળા કર્યા હતા. આજે મારી ઉંમર ત્રીસ વર્ષની છે. અને હું લગ્ન કરનાર છું. મને એ વાતની ચિંતા સતાવે છે કે, મારી ઉપર થયેલા રેગીંગને કારણે મારામાં કોઈ ખામી કે ખોડખાંપણ તો નહીં આવી ગયાં હોય ને ?

આપે રેગીંગ અંગેની જે વિગતો જણાવી છે તે જોતાં આપને કોઈ શારીરિક નુકસાન થયું હોય એવું લાગતું નથી. ઘણા યુવાન પુરુષોને લગ્ન પહેલાં પોતે બરાબર છે કે નહીં એ ચિંતા સતાવતી હોય છે. જે મહદ્અંશે બિનજરૂરી હોય છે. હોસ્ટેલમાં રેગીંગ થવું એ નવી વાત નથી. શરમાળ, નવા, જુદા પડતા થતા એકલવાયા છોકરા-છોકરીઓ ઉપર એ વધુ પ્રમાણમાં થાય છે. રેગીંગથી જે માનસિક ત્રાસ પહોંચે છે તેનાથી તરુણ કે તરુણી હતપ્રત થઈ જઈ શકે છે અને એની અસર લાંબા ગાળા સુધી તેના ચિત્ત ઉપર રહે એ શક્ય છે, પરંતુ મોટા ભાગના યુવકો રેગીંગના આઘાતજનક અનુભવમાંથી પસાર થયા બાદ પણ સ્વસ્થતા હાંસલ કરી લેતા હોય છે. તમે પણ વચગાળાનાં વર્ષોમાં કાંઈ મુશ્કેલી અનુભવી નથી. અત્યારે શિશ્ન અંગેની આ ચિંતા ફરીવાર અચાનક ઊભરી આવવાનું કારણ એ છે કે, તમારા લગ્ન અંગેની વાતો ચાલી રહી છે. મારું આપને સૂચન છે કે, આપ સ્વસ્થતાપૂર્વક વિચારશો તો જણાશે કે, છેલ્લાં કેટલાંક વર્ષોમાં આપે સેક્સ કે શિશ્ન અંગે કોઈ તકલીફ અનુભવી નથી. વળી આપ સાથે જે રેગીંગના નામે હળવી છેડછાડો કરાઈ છે, તે વખતે આપ યુવાન હતા. આથી એ અણગમાપ્રેરક અનુભવને આપ ભૂલી શકો અથવા અવગણી શકો એમ છો. તેમ છતાં ય આ કાલ્પનિક ભય મનમાંથી ન નીકળે તો આપ મનોચિકિત્સકની સલાહ લઈ શકો.

મારા એક મિત્રની સમસ્યા છે કે, તે ખૂબ પાતળો છે. તેને ચિંતા છે કે, પોતે હૃષ્ટપુષ્ટ ન હોવાથી સેક્સ બરાબર નહીં માણી શકશે. શું તેની આ ચિંતા યોગ્ય છે?

તંદુરસ્ત જાતીય જીવન માટે તંદુરસ્ત શરીર તથા તંદુરસ્ત મન હોવાં જરૂરી છે. પણ જેનો બાંધો એકવડો હોય અગર જે પાતળા હોય કે સૂકા હોય તેઓ અસમર્થ નથી બની જતાં. જો તેમને કોઈ મોટી શારીરિક બીમારી ન હોય તો ચિંતાનું કોઈ કારણ જણાતું નથી. ઊલટું, વધુ પડતા જાડા માણસો કરતાં વધુ પડતા પાતળા માણસો આસનો વગેરેમાં વધારે ફેરફારો લાવી શકતા હોય છે.