જો પરાજિત થઈ જાય તો પણ ટ્રમ્પના હાથમાં 75 દિવસની સત્તા રહેશે

international
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

જગતભરમાં ચર્ચાનો વિષય બનેલી અમેરિકાની પ્રમુખપદની ચૂંટણીમાં હાલની સ્થિતિમાં ડોનાલ્ડ ટ્રમ્પનો હાથ નીચો પડ્યો હોવાનું દેખાઈ રહ્યું છે. સ્થિતિ હજુ સ્પષ્ટ નથી થઈ, પરંતુ હવે જો બિડેન રેસમાં થોડા આગળ નીકળી રહ્યા છે. ટ્રમ્પ આ ચૂંટણીમાં હારી જાય તેવી પણ એક સંભાવના છે. જોકે, હાર્યા બાદ પણ ટ્રમ્પના હાથમાં ઘણું બધું રહેવાનું છે. ટ્રમ્પ હારી જાય તો પછી તેમની પાસે શું પાવર રહેશે? આ સવાલ થવો સ્વાભાવિક છે. ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ અનુસાર, જો ટ્રમ્પની હાર સ્પષ્ટ થઈ જાય તો પણ તેઓ ૭૬ દિવસ સુધી સત્તા પર રહેશે. આ ગાળા દરમિયાન તેમને પોતાની હાર માટે જે પણ જવાબદાર લાગે તેના પર કડક પગલા લઈ શકે છે.

ન્યૂયોર્ક ટાઈમ્સ જણાવે છે કે, હારથી ધૂંઆપૂંઆ થયેલા ટ્રમ્પ અનેક સિનિયર અધિકારીઓને ઘરભેગા કરી શકે છે. જેમાં એફબીઆઈના ડિરેક્ટર ક્રિસ્ટોફર એ. વેરી તેમજ ટોપ ઈન્ફેક્શન ડિસીઝ સ્પેશિયાલિસ્ટ ડૉ. એન્ટોની એસ. ફાઉકીનો પણ સમાવેશ થાય છે.

જો ૨૦ જાન્યુઆરીએ ટ્રમ્પને વ્હાઈટ હાઉસ ખાલી કરવાની ફરજ પાડવામાં આવે તો પણ તેઓ પોતે કેટલા શક્તિશાળી છે તે સાબિત કરવા ગમે તે કરી શકે છે. ર્ટ્મ્પને ૨૦૨૦માં કુલ ૬.૮ કરોડ અમેરિકનોએ મત (પોપ્યુલર વોટ) આપ્યા છે, જે ૨૦૧૬ની સરખામણીએ ૪૮ ટકા વધારે છે.

પોતાને મળેલા મતોની સંખ્યા ટ્રમ્પને જિમી કાર્ટર અને જ્યોર્જ બુશ જેવા તેમના પુરોગામી રિપબ્લિકન પ્રમુખોથી વધુ શક્તિશાળી બનાવે છે. ફોક્સ ન્યૂઝને ટક્કર આપવા ટ્રમ્પે પોતાનું ટીવી નેટવર્ક સ્થાપ્યું છે. જો આ ચૂંટણીમાં તેઓ હારી જાય તો ૭૮ વર્ષની વયે પણ ૨૦૨૪માં તેઓ ફરી મેદાનમાં આવવા તૈયાર છે.

ટ્રમ્પના ટ્વીટર પર ૮.૮ કરોડ ફોલોઅર્સ છે, અને તેનાથી તેઓ રિપબ્લિકન્સના કિંગમેકર બની રહેશે તેવી પૂરી શક્યતા છે. આ ચૂંટણીમાં એટલું તો સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે તેનું પરિણામ ગમે તે આવે પરંતુ ટ્રમ્પના સમર્થકોની સંખ્યા કોઈ નાનીસૂની નથી, અને તેઓ પોતે પણ પિક્ચરમાંથી બહાર નીકળવા તૈયાર નથી. રિપબ્લિકન્સમાં નવી પેઢીના નેતાઓ શક્તિશાળી ના બને ત્યાં સુધી ટ્રમ્પ પાર્ટીના સર્વેસર્વા બનીને રહે તેવી પણ શક્યતા છે. તેમની પાસે સમર્થકોની જે વિશાળ સંખ્યા છે, અને તેનો ડેટાબેઝ છે તેની કોઈપણ ફ્યુચર કેન્ડિડેટ અવગણના નહીં કરી શકે.

ટ્રમ્પ પોતાના પક્ષમાં પણ ખૂબ જ શક્તિશાળી છે. રિપબ્લિકન વોટર્સના ૯૩ ટકા વોટ ટ્રમ્પને મળ્યા છે. ૧૨ ટકા અશ્વેત વોટર્સે પણ ટ્રમ્પને વોટ આપ્યો છે. કોરોનાએ અમેરિકન અર્થતંત્રને અસર પહોંચાડી હોવા છતાં ૪૧ ટકા અમેરિકન વોટર્સનું માનવું છે કે ટ્રમ્પ સત્તા પર આવ્યા તેના કરતા તેમની સ્થિતિ અત્યારે વધુ સારી છે. જ્યારે માત્ર ૨૦ ટકા વોટર્સ જ પોતાની સ્થિતિ વધુ ખરાબ થઈ હોવાનું માને છે.

પોતાના પ્રચારમાં ટ્રમ્પે હંમેશા અર્થતંત્રને મહત્વ આપ્યું, જેનાથી ૩૫ ટકા વોટર્સ સહમત હતા. ૪૯ ટકા અમેરિકનોએ સ્વીકાર્યું હતું કે ટ્રમ્પના શાસનમાં અર્થતંત્ર સુધર્યું છે, અને ૪૮ ટકાએ ટ્રમ્પે કોરોના અંગેની સરકારની નીતિઓથી સહમત હતા.

જો ટ્રમ્પ હારી જાય તો પણ રિપબ્લિકન વોટર્સની વફાદારી તેમની સાથે રહેશે. ૨૦૧૬માં ટ્રમ્પના કેમ્પેઈન સ્ટ્રેટેજિસ્ટ રહી ચૂકેલા સેમ નનબર્ગનું કહેવું છે કે, રિપબ્લિકન ઈલેક્ટોરેટમાં ટ્રમ્પ હિરો રહેશે. ૨૦૨૪ની ચૂંટણીના રિપબ્લિકન પક્ષમાંથી વિજેતા ટ્રમ્પ કે પછી તેમનું સૌથી વધુ અનુકરણ કરનારો વ્યક્તિ રહેશે. હાર્યા બાદ પણ ટ્રમ્પ પોતાના પક્ષમાં સૌથી શક્તિશાળી રહેશે તેવા મત સાથે બધા સહમત નથી થતા. ફ્લોરિડાના પૂર્વ રિપ્રેઝન્ટેટિવ કાર્લોસ ક્યૂબેલો જણાવે છે કે બીજો ટ્રમ્પ ક્યારેય પેદા નહીં થાય. તેમની કોપી કરનારા પણ નિષ્ફળ જશે. ધીરે-ધીરે ટ્રમ્પની અસર ઓસરી જશે, પરંતુ અમેરિકાના ઈતિહાસમાંથી તેઓ ક્યારેય ગાયબ નહીં થાય.

અમેરિકાના રાજકારણના અભ્યાસુઓનું માનીએ તો હાર્યા બાદ પણ ટ્રમ્પ પબ્લિક સ્ટેજ પરથી દૂર નહીં થાય. પરંતુ તેમનો પક્ષ તેમનાથી આગળ ચોક્કસ વિચારશે. અમેરિકામાં એક વ્યક્તિ વધુમાં વધુ બે ટર્મ સુધી જ પ્રમુખ રહી શકે છે. જોકે, છેલ્લા ૨૮ વર્ષથી દરેક પ્રમુખને બીજી ટર્મ મળી છે. ટ્રમ્પ હારશે તો આ રેકોર્ડ પણ તૂટશે. પરંતુ ૧૯૭૬માં ગેરાલ્ડ ફોર્ડ, ૧૯૮૦માં જિમી કાર્ટર અને ૧૯૯૨માં જ્યોર્જ બુશ સિનિયર બીજી ટર્મ નહોતા મેળવી શક્યા. જોકે, એક ટર્મની સત્તા ભોગવ્યા બાદ હારી ગયેલા આ પૂર્વ પ્રમુખો રાજકારણમાં ફરી કમબેક નહોતા કરી શક્યા. તેવામાં ટ્રમ્પ પણ આ ક્લબમાં સામેલ નહીં જ થાય તેવી શક્યતા સાવ નકારી શકાય તેમ પણ નથી.