પગપાળા વતન ગયેલા શ્રમિકોને હવે માલિકો વિમાન મારફત પણ પરત લાવવા તૈયાર છે

India

(હમલોગ.ન્યૂઝ દ્વારા)

શહેરો, ટાઉનશીપ અને કૃષિ ક્ષેત્રે કામ કરતાં પરપ્રાંતીય શ્રમિકો પોતાના વતન પાછા ફર્યા છે. અર્થતંત્રને ફરીથી બેઠું કરવા માટે તેમની તાતી જરૂર છે. થોડા અઠવાડિયા પહેલા જ હિજરત કરી ગયેલા શ્રમિકોને પરત બોલાવવા માટે ધંધા-રોજગારના માલિકો કંઈપણ કરી છૂટવા તૈયાર છે. ચેન્નૈના ત્રણ રિયલ એસ્ટેટ ડેવલપર્સ કુશળ શ્રમિકોને પરત લાવવા માટે આખી ફ્લાઈટ બુક કરાવવા તૈયાર છે. આ ત્રણેય ડેવલપર્સે ૧૫ જૂન પછી બિહારના ૧૫૦ કુશળ શ્રમિકોને પરત લાવવા આખી ફ્લાઈટ બુક કરાવવાની તૈયારી કરી છે.

ક્રેડાઈની તમિલનાડુની શાખા રાજય સરકાર સાથે વાતચીત કરી રહી છે જેથી શ્રમિકોને તેમના દ્યરેથી પરત બોલાવી શકાય. તો આ તરફ બિહારના દરભંગાથી ૫૦ મજૂરોને કામ પર પરત લાવવા માટે પંજાબના ભટિંડા જિલ્લાના ખેડૂતે બસ ત્યાં મોકલી હતી. લુધિયાણાના ખેડૂતે પણ હરિપુર ગામમાંથી ૩૦ મજૂરોને પરત લાવવા માટે બસ મોકલી હતી.

કેરળમાં કંસ્ટ્રકશન લેબરને ઊંચી મજૂરી મળતી હોવાથી બંગાળ જેવા રાજયોમાંથી શ્રમિકો આવે છે. રાજય સરકારે પરપ્રાંતીય શ્રમિકો માટે આવાસ નામની યોજના શરૂ કરી છે. આ યોજના અંતર્ગત આવતા દરેક શ્રમિકને ૨૫,૦૦૦ સુધીની મેડિકલ સારવાર સરકારી હોસ્પિટલોમાં નિઃશુલ્ક મળે છે. જો કોઈ શ્રમિકનું અવસાન કવચ હેઠળ થાય તો તેના કુટુંબને ૨ લાખ રૂપિયા મળે છે. આટલું જ નહીં, કેરળના દરેક જિલ્લાઓમાં પરપ્રાંતીય શ્રમિકો માટે અપના ઘર હાઉસિંગ કોમ્પ્લેકસ તૈયાર કરવામાં આવી રહ્યા છે. પલક્કડમાં તો આ પ્રકારના મકાનો તૈયાર પણ થઈ ગયા છે. જયારે એર્નાકુલમ, કોઝીકોડ અને તિરુવનંતપુરમમાં બાંધકામ શરૂ થવાની તૈયારીમાં છે.

આ તરફ મુંબઈના મુખ્ય શહેરી વિસ્તારોના બિલ્ડરો કંસ્ટ્રકશન મજૂરોને ફોન પર ગામડાંઓથી પરત આવવાની વિનંતી કરી રહ્યા છે. નેશનલ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલ (પશ્ચિમ વિસ્તાર)ના ઉપ-પ્રમુખ રાજન બાંદેલકરે જણાવ્યું, ‘કોન્ટ્રાકટરો અને સિનિયર એન્જિનિયરો શ્રમિકોને સીધો સંપર્ક કરી રહ્યા છે. સાથે જ તેમને સુરક્ષા અને સલામતની ખાતરી આપી રહ્યા છે.’

ગુરુવારે ૫૦ વર્ષીય બળવંત સહાનીએ યુપીના ગોરખપુર રેલવે સ્ટેશન પર મુંબઈ જતી લોકમાન્ય તિલક ટર્મિનસ સ્પેશિયલ ટ્રેનમાં બેસતા પહેલા સ્ક્રીનિંગ કરાવ્યું હતું. લગભગ મહિના પહેલા તેઓ ચાર દિવસ સુધી ચાલતા અને ટ્રકમાં મુસાફરી કર્યા બાદ મુંબઈથી કુશીનગર સ્થિત પોતાના ગામ પહોંચ્યા હતા. મુંબઈ-પૂના એકસપ્રેસ વે પર આવેલા એક ઓટોમોબાઈલ સ્પેર યુનિટમાં ગેસ કટર તરીકે કામ કરતાં બળવંત સહાનીએ અમારા સહયોગી TOIના જણાવ્યું, ‘અમારી ફેકટરીમાં હવે કામ શરૂ થઈ ગયું છે. મને પરત આવવા માટે મેનેજમેન્ટ તરફથી ફોન આવ્યો હતો. રોજગારી મેળવવા પાછું જવું એ જોખમ ખેડવા સમાન છે કારણકે કોરોના મહામારી હજી પૂરી નથી થઈ.’

એવા ઘણા મુસાફરો છે જે ફરીથી કામ અર્થે મુંબઈ આવવા ટ્રેનોનો રાહ જોઈ રહ્યા છે. ગોરખપુરથી ત્રણ ટ્રેનો અને લખનૌથી એક ટ્રેનની ઉપડવાની રાહ શ્રમિકો જોઈ રહ્યા છે. તેમની કહાણીઓ પણ કંઈક આવી જ છે. ગોરખપુરમાં પત્ની અને પુત્ર સાથે બાંદ્રા સ્પેશિયલ ટ્રેનની રાહ જોતા શેષનાથ સહાનીએ જણાવ્યું, ‘અમારા ફેકટરી માલિકે જણાવ્યું કે ૧૪ દિવસનો કવોરન્ટીન પીરિયડ પૂરો થાય તેના બીજા જ દિવસથી કામ પર પાછા જોડાઈ શકીશું.’ શેષનાથ સહાની બેગ ફેકટરીમાં કામ કરે છે. મુંબઈના શ્રમ વિભાગના સૂત્રોનું કહેવું છે કે, હાલ મહારાષ્ટ્રમાં ૫૪,૦૦૦ યુનિટ્સ તેમની ક્ષમતા મુજબ કામ કરી રહ્યા છે. આ યુનિટોમાંથી લગભગ ૮૦૦૦માં ૨૦થી વધુ કામદારો દરેકમાં છે.