‘બહારનું ખાવાનો’ આપણને સહુને જબરો શોખ

Blogs

  • ભગવતીકુમાર શર્મા

મોટા ભાગની ઓફિસોમાં હવે ટી-ક્લબ કે નાસ્તા-ક્લબ હોય જ છે. મુંબઈમાં તો ઘણા મોટા પાયા પર ટિફિન સર્વિસનું અદ્ભુત નેટવર્ક ચાલે છે. બીજું થાય પણ શું ? સવારે બોરીવલીથી કે ઘાટકોપરથી ચર્ચગેટ જતા માણસને બપોરે પેટપૂજા કરવાની ફરજ તો પડે જ.

મોટાં શહેરોમાં ‘લંચ અવર્સ’નું ઘણું મહત્ત્વ હોય છે. મોંઘી હોટેલોમાં બધા તો ક્યાંથી રોજેરોજ લંચ લેવા જઈ શકે? એટલે તેઓ ટિફિન કે લંચ બોક્સથી ગાડું ગબડાવે. શહેર મુંબઈ જેવું મોટું કે સુરત જેવું મધ્યમ કદનું હોય, પણ ઓફિસોમાં ખાણીપીણી તો ચાલે જ.

મધ્યમ કે નાના કદના શહેરમાં કર્મચારીઓને ઓફિસે પહોંચવા માટે લાંબું અંતર કાપવું પડતું હોતું નથી, એટલે ઘણા ખરા લોકો સવારે દસ-અગિયાર વાગ્યે ઘરે લંચ લઈને જ ઓફિસે જાય, પરંતુ તેમનેય બપોરે બે-ત્રણ વાગ્યે થોડીઘણી ભૂખ તો લાગે જ, વળી ચા પીવાનો સમય પણ લે, આથી ટી-બ્રેક અને નાસ્તા-ટાઇમ ભેગા થઈ જાય અને એમ પચીસ-ત્રીસ મિનિટ ચા, નાસ્તા તથા ટોળટપ્પાને સહારે આસાનીથી વીતે!

હવે તો નોકરી અર્થે અપડાઉન કરનારાઓની સંખ્યા પણ લાખોને આંકડે પહોંચી છે. વડોદરાથી અમદાવાદ કે સુરતથી વાપીની આવ-જા રોજ હજારો લોકો કરે છે. મુંબઈથી વાપી ચેરકારમાં અપડાઉન કરનારાઓની સંખ્યા પણ મોટી છે. આ સર્વે માટે ‘લંચ બોક્સ’ કે નાસ્તાનો ડબ્બો લગભગ અનિવાર્ય. અને એ રીતે આપણી પ્રજાનો એક ગણનાપાત્ર વર્ગ ટિફિનો અને નાસ્તાના ડબ્બાઓ પર નભે છે.

આરોગ્યની ગમે એટલી સમસ્યાઓ પેદા થાય તોય આપણા લોકોમાં આઉટડોર ઇટિંગની વૃત્તિ અને પ્રવૃત્તિ ઘણી વધી છે. તમે નોંધ કરજો, મોટી મોટી સરકારી કચેરીઓની ઇમારતોની આસપાસ ખાણીપીણીની લારીઓ મોટી સંખ્યામાં ખડકાયેલી હશે. આમ પણ લારીઓની લોકપ્રિયતા નિરંતર વધતી જાય છે. લગભગ દરેક શહેરમાં ‘કાકીની લારી’ અને ‘ભાભીની લારી’ હશે જ! તમે અમદાવાદ જાઓ અને દાળવડાં ન ખાઓ તો જાણે તમારો ફેરો ફોગટ ગયો!

હું કેટલાંક એવાં યુવક-યુવતીઓને ઓળખું છું જેઓ સુરતમાં કઈ વાનગી કઈ લારી પર ઉત્તમ પ્રકારની મળે છે તેની અપ-ટુ-ડેટ માહિતી ધરાવે છે. આવી માહિતી તેમની આંગળીને ટેરવે નહિ તો જીભને ટેરવે તો હોય જ છે! હોટેલ-રેસ્ટોરાંઓમાં મળતી વાનગીઓની માહિતી તો વળી અલગ!

અઠવાડિયે ત્રણ-ચાર વાર ‘બહાર’ ન ખાયપીએ તો દુઃખી તઈ જાય એવાં યુવક-યુવતીઓની સંખ્યા બેશક વધતી જાય છે! આમાં ઘરે રસોઈ બનાવવાની ઝંઝટમાંથી મુક્તિ, વાનગી-વૈવિધ્યનો આસ્વાદ કરવાની તક તેમ જ અડધી રાત સુધી દોસ્તો સાથે ઘૂમવાની મજા, બધું જ આવી જાય છે. આ ગતિવિધિમાં હવે પુરુષો કરતાં સ્ત્રીઓ સહેજેય પાછળ રહેતી નથી તે ખાસ નોંધવા યોગ્ય છે. બલકે કેટલાક કિસ્સાઓમાં તો સ્ત્રીઓ વધારે ઉત્સાહી વર્તાય છે.

જ્યારથી નોકરી કરતી સ્ત્રીઓની સંખ્યા વધી છે ત્યારથી ઓફિસોના લંચ અવર્સ, ટી-બ્રેક કે નાસ્તા-ટાઇમમાં જાણે નવો પ્રાણ આવ્યો છે. પહેલાં તો એમ બનતું કે પત્ની નાસ્તાનો કે લંચનો ડબ્બો ભરી આપે તે લઈને પતિદેવ ઓફિસે જતા અને બપોરે ડબ્બા ઉઘાડી પત્નીએ જે રોટલી-શાક કે મૂઠિયાં-પાતરાં મૂક્યાં હોય તે આરોગતા. ડબ્બાઓની વાનગીઓનું આદાન-પ્રદાન પણ થતું.

વર્ષો સુધી બેન્કમાં નોકરી કરનાર અમારા એક ગઝલકાર મિત્ર વાનગીઓના થતા આદાનપ્રદાનમાંથી સર્જાતી ‘ડબ્બા પાર્ટી’નો બહુ ગૌરવપૂર્વક ઉલ્લેખ કરતા! પોતાની પત્નીનો નામોલ્લેખ કરી તેઓ સગૌરવ કહેતા: ‘આજે તો તેણે મારા ડબ્બામાં મૂકેલાં ઇદડાં બધાને બહુ ભાવ્યાં!’

પણ હવે પરિસ્થિતિ બદલાઈ છે, સ્ત્રી કિચન ઉપરાંત ઓફિસમાં પણ સક્રિય છે! તે પણ પુરુષોની માફક ઓફિસમાં નાસ્તાનો ડબ્બો લઈ જાય છે. પ્રત્યેક ઓફિસમાં આવી વર્કિંગ વિમેનની સંખ્યા મોટી હોય છે. આથી ‘લંચ અવર્સ’ કે ‘નાસ્તા ટાઇણ’નાં બધાં સૂત્રો તેમણે જન્મજાત કૌશલથી હસ્તગત કર્યાં છે. તેને પરિણામે હવે ઓફિસોના ‘નાસ્તા અવર્સ’માં માત્ર સૂકામેવા, રોટલી-શાક કે આગલા દિવસનાં મૂઠિયાં-પાતરાં-હાંડવો નથી રહ્યાં.

હું તો એક-બે એવી ઓફિસો વિશે પણ જાણું છું જ્યાંની મહિલા કર્મચારીઓનાં ઉત્સાહ, આયોજન તથા રસોઈ-અનુભવને પ્રતાપે પુરુષ કર્મચારીઓને કેરીનો રસ અને પાતરાંથી માંડીને શિખંડ-પૂરી, ઇદડાં સુધીનાં રીતસરનાં ભોજન પણ મળતાં રહે છે અને તે પણ ઓફિસ-અવર્સ દરમિયાન! આ બાબતમાં કેટલીક મહિલા કર્મચારીઓ તો એટલી ઉત્સાહી અને સંનિષ્ઠ હોય છે કે તેઓ લગભગ સતત આવાં ભવ્ય નાસ્તા-ભોજન-આયોજનોનાં વિચાર અને ચર્ચા કરે છે અને તેમાંથી સમય મળે ત્યારે ઓફિસનું કામ કરે છે!

ઓફિસોના ‘લંચ અવર્સ’માં વળી સિઝન કે પર્વ અનુસાર વાનગીઓ પણ ટેબલ પર અચૂક પીરસાય છે! સુરત જેવા શહેરમાં પોંકની સિઝન આવી નથી અને ઓફિસોના ‘નાસ્તાબ્રેક’માં ટેબલ પર પોંકે દેખા દીધી નથી – અને તે પણ છાશ તથા ચટણીની સાથે!

ચંદનીપડવે ઓફિસોમાં પણ અસ્સલ સુરતી ઘારીની ચકાચક અવશ્ય ચાલે જ!

દિવાળીમાં તો દિવસો સુધી મઠિયાં-સેવ-ચકરી પીરસાતાં રહે! ધાણીચણા વિનાની હોળી કેવી? પ્રત્યેક કર્મચારીની બર્થ-ડેટ તો યાદ રાખવી જ પડે! કર્મચારી પોતે કશીક નાની-મોટી સિદ્ધિ મેળવે કે તેને ત્યાં બાળકનો જન્મ જેવો પ્રસંગ હોય, તેનાં સંતાનો કોઈ મોટી પરીક્ષામાં સુપેરે ઉત્તીર્ણ થયાં હોય : એ સર્વની ફળશ્રુતિ એક જ અને તે ઓફિસમાં પાર્ટી!

હું વ્યક્તિગત રીતે આવી પાર્ટીઓની તરફેણ કરું છું. તેમાં ખાણીપીણીની બાબત ગૌણ છે. તે તદ્દન નગણ્ય છે તેમ હું નથી માનતો કેમ કે વૈવિધ્યપૂર્ણ અને સ્વાદિષ્ટ વાનગીઓ કોને નથી ભાવતી? પણ આવી પાર્ટીઓમાં જે ખરો મહિમા છે તે સમૂહભાવનાનો છે. માણસ એકલો બેસીને ખાય અને મિત્રોની સાથે બિરાજીને વાનગી આરોગે એ બે સ્થિતિ વચ્ચે ઘણો મોટો ફરક છે. વાનગી તો એની એ જ હોય છે, પણ સમૂહભાવનાને કારણે તેનો સ્વાદ વધારે રોચક બને છે. દરેક ઓફિસમાં બે-ચાર એવા કમનસીબ જીવો હોય છે જેઓ કદી કોઈની સાથે હળતાભળતા નથી, ‘લંચ અવર્સ’માં પોતાની ખુરશી પર બેસીને જ એકલા એકલા ડબ્બાની વાનગી આરોગે છે! આનાથી વધારે દયાજનક દૃશ્ય બીજું કયું હોઈ શકે?

એકલા બેસીને કાજુકતરી ઝાપટવી તેના કરતાં બીજાઓની સાથે બેસીને સૂકો રોટલો કરડવો અનેક ગણો સારો! કોઈક વિચારકે કહ્યું છે : સ્ત્રીએ સમજવું જોઇએ કે તેના પતિના હૃદય સુધી પહોંચવાનો રસ્તો પતિની જીભ છે! પણ આ વાત માત્ર પતિ-પત્ની પૂરતી સાચી નથી. માનવ માત્ર માટે એ યથાર્થ છે. સારું, સહિયારું ભોજન માણસોને પરસ્પરની નજીક લાવવામાં ઘણી મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.

આમેય ભોજન એ દુનિયાભરમાં આદરસત્કારનું એક મહત્ત્વનું પ્રતીક મનાય છે. ગમે તેવા ગરીબ માણસને ઘેર પણ લગ્નનો પ્રસંગ આવે છે તો તે પચીસ-પચાસ માણસોને જમાડ્યા વિના રહેતો નથી. મારા એક સદ્ગત વડીલ નાટ્યકાર મિત્ર તો બેધડક કહેતા, ‘જે લગ્નમાં ભોજન સમારંભનું નિમંત્રણ ન હોય તેવાં લગ્નમાં હું કદી જતો નથી! ઘરમાં લગ્ન જેવો પ્રસંગ હોય અને આંગણે થોડીય એંઠ ન પડે એ કેમ ચાલે?’ એમને ન્યાય કરવા ખાતર કહેવું જોઇએ કે પોતાને ઘેર જ્યારે પણ શુભાશુભ પ્રસંગો આવતા ત્યારે તેઓ મોટા પાયા પર અચૂક ભોજન સમારંભ યોજતા.

એથી ઊલટું, મારા એક સદ્ગત વડીલ શિક્ષણશાસ્ત્રી પોતાના આરોગ્યની રક્ષા અંગે સતત એટલા સચિંત અને સજાગ રહેતા કે તેઓ કદી કોઈ લગ્નપ્રસંગના ભોજન સમારંભમાં ભાગ ન લેતા માત્ર ચાંદલાનું ‘કવર’ આપીને ચાલ્યા જતા.

રાષ્ટ્રપતિઓ અને વડા પ્રધાનોને લગભગ રોજે રોજ અને સવારસાંજ એટલાં બધાં લંચ તથા ડિનરમાં હાજરી આપવી પડે છે કે ખરેખરી ચિંતા તો તેમના આરોગ્યની આપણને થવી જોઇએ! પરંતુ આશ્ચર્યજનક રીતે તેમનું આરોગ્ય એકંદરે સારું હોય છે! શક્ય છે કે લંચ અને ડિનરમાં તેઓ ઝાપટવાને બદલે ચાખતા હશે! એમ પણ બને કે હોદ્દા પરથી ઊતરી ગયા પછી ઘરનાં ભાખરી-શાક જમવાનાં આવે તો તેમની તબિયત બગડી જાય.

‘પ્રધાન’ શબ્દની વ્યુત્પત્તિ કેટલાક મશ્કરા લોકો ‘પર ધાન’, જે પારકું ધાન ખાવામાં કુશળ તે પરધાન, પ્રધાન જેવી કરે જ છે! શક્ય છે કે આ તેમની ઇર્ષ્યાવૃત્તિનું પરિણામ હોય. બાકી સદ્ગત હાસ્યકવિ જનાબ ‘બેકાર’ તો ઘણી વાર રમૂજમાં બોલતા અને લખતા : ‘ઘેર ખાવું અને ઝેર ખાવું, બંને બરાબર!’