ડ્રેગન પરમાણુ શસ્ત્રો ડબલ કરવાની તૈયારીમાં

international
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

પોતાની વિસ્તારવાદી આદતો અને કોરોના મહામારીના કારણે અલગ થલગ પડી ગયેલું ચીન પોતાના પરમાણુ હથિયારોને બમણા કરવાની તૈયારી કરી રહ્યું છે. પેન્ટાગોને પોતાના રિપોર્ટમાં ખુલાસો કર્યો છે કે ચીન આ દાયકાના અંત સુધીમાં પોતાના પરમાણુ વોરહેડને બમણા કરવાના પ્રયત્નોમાં છે. આ વોરહેડ જમીનની સાથે સાથે સમુદ્ર  અને હવામાં બેલિસ્ટિક મિસાઈલો લોન્ચ કરવામાં સક્ષમ છે.

રિપોર્ટમાં એવો પણ દાવો કરાયો છે કે પીપલ્સ લિબરેશન આર્મી સંયુકત સૈન્ય અભિયાનો ઉપર પણ ધ્યાન આપી રહી છે જેથી કરીને તાઈવાન તરફથી અમેરિકી સેનાની કોઈ પણ કાર્યવાહીનો જવાબ આપી શકાય. પેન્ટાગોનનો આ રિપોર્ટ અમેરિકાની ચિંતા વધારી શકે છે. કારણ કે તેમાં કહેવાયું છે કે ચીની સેનાએ જહાજ નિર્માણ, લેન્ડ બેસ્ડ બેલિસ્ટિક અને ક્રૂઝ મિસાઈલો અને વાયુ રક્ષા પ્રણાલીઓ જેવા અનેક ક્ષેત્રોમાં અમેરિકી સેના જેટલી ક્ષમતા મેળવી લીધી છે કે પછી તેનાથી આગળ નીકળી ગઈ છે.

પોતાના વાર્ષિક રિપોર્ટમાં પેન્ટાગને ચીનની પરમાણુ ક્ષમતાને જાહેર કરી છે. રિપોર્ટમાં કહેવાયું છે કે ચીન પાસે ૨૦૦થી ઓછા પરમાણુ વોરહેડ  છે. જેની સંખ્યા આગામી ૧૦ વર્ષોમાં બમણી થઈ શકે છે. રાષ્ટ્રપતિ શી જિનપિંગના કાર્યકાળમાં ચીન ઝડપથી પોતાની પરમાણુ ક્ષમતા વધારી રહ્યું છે. તે જમીન, હવા અને પાણીથી પરમાણુ હુમલા કરીને પોતાના સાધનોની સંખ્યામાં વધારો કરી રહ્યું છે. તેની પાસે બેલિસ્ટિક મિસાઈલો છે. જેને જમીન અને સમુદ્રથી છોડી શકાય છે અને હવાથી લોન્ચ કરનારી બેલિસ્ટિક મિસાઈલ પણ તે વિકિસત કરી રહ્યું છે.

રિપોર્ટ મુજબ આગામી દાયકામાં ચીનનો પરમાણુ હથિયારોનો ભંડાર ઓછામાં ઓછો બમણો થઈ શકે છે. બેઈજિંગ શતાબ્દીની મધ્ય સુધીમાં પોતાની સેનાને અમેરિકી સેના બરાબર કે અનેક મામલે તેના કરતા વધુ સારી બનાવી શકે છે. રિપોર્ટમાં એમ પણ કહેવાયું છે કે જો ચીન પોતાના ખતરનાક ઈરાદામાં સફળ નીવડશે તો અમેરિકાએ મોટું નુકસાન સહન કરવાનો વારો આવશે.