જો એટીએમ ટ્રાન્ઝેક્શન નિષ્ફળ જાય તો ચિંતા કરશો નહીં

India
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

ATM મશીનમાં કોઈ સમસ્યા હોય અથવા તેમાં રોકડ નહીં હોવાને કારણે ઘણીવખત ATM ટ્રાન્ઝેકશન નિષ્ફળ (ફેઈલ) થઈ જાય છે. પરંતુ, સમસ્યા ત્યારે સર્જાય છે કે જયારે ખાતામાંથી પૈસા કપાઈ જાય છે અને તે પાછા મેળવવા માટે ખૂબ મહેનત કરવી પડે છે. પણ, હવે આ બાબતે કોઈ ચિંતા કરવાની જરૃર નથી કારણકે હવે બેંક આ પૈસા ચોક્કસ સમયગાળામાં તમારા ખાતામાં જમા કરશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી છે.

ભારતીય રિઝર્વ બેંકે ટ્વિટમાં કહ્યું કે જો કોઈ ATM ટ્રાન્ઝેકશન નિષ્ફળ (ફેઈલ) થઈ જાય છે અને બેંક તેના નક્કી કરેલા ચોક્કસ સમયગાળામાં તે પૈસા તમારા ખાતામાં જમા નહીં કરે તો બેંકે તમને વળતર આપવાનું રહેશે. લોકોને જાગૃત કરવા માટે ભારતીય રિઝર્વ બેંક સમયાંતરે આ પ્રકારની જાણકારી આપતી રહી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની વેબસાઈટ પર પણ ATM સાથે જોડાયેલા દ્યણાં સવાલના જવાબ આપવામાં આવ્યા છે.

ભારતીય રિઝર્વ બેંકે જણાવ્યું કે બેંકોએ નિષ્ફળ ગયેલા ATM ટ્રાન્ઝેકશનનું રિફંડ આપવું જરૃરી છે. આ પ્રકારના કોઈપણ ટ્રાન્ઝેકશનની સૂચના જલદી જ પોતાની બેંકને આપવી જરૃરી છે. ATM ટ્રાન્ઝેકશન નિષ્ફળ જાય ત્યારે ૫ દિવસની અંદર ગ્રાહકના ખાતામાં પૈસા જમા કરવાની જવાબદારી બેંકની છે. જો બેંક મોડું કરે છે તો તેણે દરરોજના રૃપિયા ૧૦૦ના હિસાબે વળતર આપવાનું રહેશે.