લવ જેહાદને પ્રોત્સાહન આપવા બદલ લક્ષ્મી બોમ્બ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ

Entertainment
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે અને અભિનેતા અક્ષય કુમારની બહુચર્ચીત ફિલ્મ લક્ષ્મીબોમ્બ પણ ૯ નવેમ્બરના રિલીઝ થઇ રહી છે ત્યારે આ ફિલ્મનું નામ જાણી જોઇને ‘લક્ષ્મી બોમ્બ’ રાખવામાં આવ્યું છે, આ કારણે લક્ષ્મીજીનું અપમાન થયું છે. તેમજ ફિલ્મના પાત્રો જોતાં તેમાં પણ લવજેહાદને પ્રોત્સાહન અપાઇ રહ્યું હોય તેમ જણાઇ રહ્યું છે. આવા વાંધા રજૂ કરી હિન્દુ જનજાગૃતિ સમિતીએ વાંધો ઉઠાવ્યો છે અને ફિલ્મ પર પ્રતિબંધ મુકવા માંગણી કરી છે.

આ સમિતીએ જણાવ્યું છે કે એક તરફ લક્ષ્મી ફટાકડા બંધ કરવા માટે અમે વર્ષોથી લોકોનું પ્રબોધન કરતાં આવ્યા છીએ ત્યાં બીજી તરફ ફિલ્મના માધ્યમથી ફરી એકવાર કરોડો હિન્દુઓન દેવી લક્ષ્મીજીનું ફિલ્મનું નામ લક્ષ્મીબોમ્બ રાખીને અપમાન કરવામાં આવી રહ્યું છે. આ ફિલ્મના નાયકનું નામ આશિફ અને નાયિકાનું નામ પ્રિયા યાદવ હોવાનું દેખાય છે. જે જોતાં મુસલમાન યુવાન અને હિન્દુ યુવતિના સંબંધ બનાવી જાણી જોઇને લવજેહાદને પ્રોત્સાહન આપવામાં આવે તેવું છે. આથી આ ફિલ્મ પર વિનાવિલંબે પ્રતિબંધ મુકવામાં આવે તેવી હિન્દુ જનજાગૃતિ સમિતિની માંગણી છે. તેમ આ સમિતિના રાષ્ટ્રીય પ્રવકતા રમેશ શિંદેએ જણાવ્યું હતું.

મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખ સમક્ષ પણ રમેશ શિંદેએ માંગણી કરી છે કે મહારાષ્ટ્ર સરકાર આ મામલે કેન્દ્ર સરકારને અસરકારક રજૂઆત કરી લક્ષ્મીબોમ્બ ફિલ્મ પર પ્રતિબંધ મુકાવે. નોંધનીય છે કે સાઉથમાં બનેલી અને સુપરહિટ નિવડેલી ફિલ્મ પરથી અક્ષય કુમારની આ ફિલ્મ બનાવાઇ છે. જેમાં અક્ષય ટ્રાન્સજેન્ડરનો રોલ નિભાવી રહ્યો છે.