25 ફેબ્રુઆરીએ નીરવ મોદીના ભારત પ્રત્યાર્પણ અંગેનો નિર્ણય

international
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

પંજાબ નેશનલ બેંક કૌભાંડ કેસમાં વોન્ટેડ હીરાનો વેપારી નિરવ મોદીનું બ્રિટનમાંથી ભારતમાં પ્રત્યાર્પણ થશે કે નહીં તે અંગેનો ચુકાદો ૨૫ ફેબુ્રઆરીના રોજ આપવામાં આવશે. લંડનમાં ડિસ્ટ્રિકટ જજ સેમ્યુઅલ ગોઝે આજે એક નિવેદનમાં આ માહિતી આપી હતી.

ઉલ્લેખનીય છે કે હાલમાં નિરવ મોદી કસ્ટડીમાં જ છે અને તેને દર ૨૮ દિવસે કોર્ટમાં હાજર કરવામાં આવે છે. હવે પાંચ ફેબુ્રઆરીના રોજ વીડિયોલિંકથી નિરવ મોદીને જજ સમક્ષ રજૂ કરવામાં આવશે.

આ અગાઉ ક્રાઉન પ્રોક્ક્યુશન સર્વિસ(સીપીએસ)એ જજને જણાવ્યું હતું કે નિરવ મોદી પોન્ઝી સ્કીમ શરૂ કરવા તરફ આગળ વધી રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે લંડનની કોર્ટમાં ભારત સરકાર વતી ક્રાઉન પ્રોસેકયુશન સર્વિસ કેસ લડી રહી છે. આજે સતત બીજા દિવસે વીડિયો કોન્ફરન્સથી સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે ૧૯ માર્ચ, ૨૦૧૯ના રોજ નિરવ મોદીની લંડનમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદથી તે લંડનની જેલમાં બંધ છે. કરોડો રૂપિયાનું પીએનબી કૌભાંડ બહાર આવે તે પહેલા જ નિરવ મોદી ભારત છોડીને જતો રહ્યો હતો. કૌભાંડ સપાટી પર આવ્યા પછી અને લંડનમાં હોવાની જાણ થયા પછી ભારત સરકાર નિરવ મોદીને ભારત લાવવાના સતત પ્રયત્નો કરી રહી છે.