વૈષ્ણોદેવીના દર્શન શરૂ : આશરે 6 મહિનાથી બંધ રહેલા માતા વૈષ્ણોદેવી ભવન આજથી ભક્તો માટે ફરી ખુલશે

India
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

કોરોના કાળમાં સામાન્ય ભકતો માટે લગભગ ૬ મહિનાથી બંધ માતા વૈષ્ણોદેવીનું મંદિર ૧૬ ઓગસ્ટથી બધા જ ભકતો માટે ખુલી રહ્યું છે. શરૂઆતના દિવસોમાં માત્ર ૨ હજાર લોકો જ દર્શન કરી શકશે. કોરોના પહેલાં અહીં એક દિવસમાં ૫૦-૬૦ હજાર લોકો રોજ દર્શન કરતાં હતાં. યાત્રા શરૂ થયા બાદ પહેલાં સપ્તાહમાં ૧૯૦૦ ભકત જમ્મૂ-કાશ્મીરના અને ૧૦૦ ભકત અન્ય રાજયોના રોજ દર્શન કરી શકશે. બધા ભકતો માટે ફોનમાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવું જરૂરી રહેશે. માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ અને સેનેટાઇઝેશનનું ધ્યાન રાખવું પડશે. યાત્રીઓનું થર્મલ સ્કેનિંગ પણ કરવામં આવશે. ૧૦ વર્ષથી નાના બાળકો, ગર્ભવતી મહિલાઓ, ૬૦ વર્ષથી વધારે ઉંમરના લોકોને દર્શન કરવાની મંજૂરી મળશે નહીં. સાથે જ, જે લોકોમાં કોવિડ-૧૯ સાથે જોડાયેલાં કોઇપણ લક્ષણ જોવા મળશે, તેમને દર્શન કરવા દેવામાં આવશે નહીં.

કટરાથી બાણગંગા, અર્દ્ઘ-કુંવારી અને સાંઝીછતના રસ્તાથી ભવન પહોંચી શકાશે. ત્યાર બાદ ભવનથી આવવા માટે હિમકોટિ અને તારાકોટ માર્ગથી પાછા ફરવું પડશે. અન્ય રાજયોના દર્શનાર્થિઓની કોરોના વાઇરસની નેગેટિવ રિપોર્ટ હેલીપેડ અને દર્શની ડ્યોઢી પર ચેક કરવામાં આવશે. જે યાત્રીઓ પાસે કોવિડ-૧૯ના નેગેટિવ રિપોર્ટ હશે, તેમને જ મંદિરમાં પ્રવેશ મળશે. હાલ પિઠ્ઠુઓ, પાલકીઓ અને ખચ્ચરોની વ્યવસ્થા શરૂ કરવામાં આવી નથી. યાત્રીઓની સુવિધા માટે બેટરીવાળા વાહન, રોપવે અને હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવશે.