સાયબર ગુનેગારો દર મહિને 100 કરોડ રૂપિયાનો ચૂનો લગાવી રહ્યા છે

India
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

કોરોના કાળમાં વધતા ડિજીટલ લેવડદેવડની સાથે ઓનલાઇન છેતરપીંડી મોટી ચિંતાનો વિષય બની બહાર આવી છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે તેને પડકાર ગણાવી લોકોને સાવધ રહેવા કહ્યું છે. ડોભાલના જણાવ્યા પ્રમાણે સાઇબર છેતરપીંડીના કેસ પાંચ ગણા વધ્યા છે તો વિશ્વ વ્યાપી રિપોર્ટ જણાવે છે કે ખરીદી અને લેવડદેવડ વધવાથી ગ્રાહકોને દર મહિને ૧૦૦ કરોડ રૂપિયાનો ચુનો લાગી રહ્યું છે. ૨૦૧૯-૨૦માં ગ્રાહકોને ૬૯૦ કરોડનું ચુનો લાગ્યો હતો પરંતુ આ વર્ષે તે ૧૨૦૦ થી ૧૩૦૦ કરોડ થાય તેવી શકયતા છે. પેમેન્ટ એપ થકી લેવડદેવડ ૪૧ ટકા વધી છે પરંતુ છેતરપીંડીના કેસ ૫૪ ટકા વધ્યા છે. સાઇબર ગુન્હેગારોના નિશાના પર સોશ્યલ મીડિયા પેમેન્ટ એપ તથા ઇ-કોમર્શ સાઇટો છે.

મળતા અહેવાલો મુજબ સાઇબર ફ્રોડના મામલામાં ૨૦ ટકા જોખમવાળા દેશોની વચ્ચે અમેરિકા અને બ્રીટન બાદ ભારત ત્રીજા ક્રમે છે. આ ત્રણેય દેશોને ૨૦૧૯-૨૦માં સાઇબર છેતરપીંડીથી અબજો ડોલરનું નુકસાન થયું છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડસ બ્યુરોના જણાવ્યા પ્રમાણે ૨૦૧૮માં સાઇબર ફ્રોડના ૨૭૨૪૮ કેસ નોંધાયા. જ્યારે અન્ય પોર્ટલના જણાવ્યા પ્રમાણે ૩૩૧૩૨ ફરિયાદો નોંધવામાં આવી હતી.

એક સર્વે અનુસાર ૪૧ ટકા યુવા સાયબર છેતરપીંડીનો ભોગ બને છે જ્યારે ૨૨ ટકા વડિલો તેનો ભોગ બન્યા છે.

એક સર્વે અનુસાર ભારતમાં સાઇબર છેતરપીંડી નોંધાયેલી ફરિયાદ કરતા ઘણી વધુ હોય છે. એક સર્વે અનુસાર ૨૦૧૯માં દેશમાં ૧૩.૧૨ કરોડ લોકો કોઇને કોઇ રીતે છેતરપીંડીનો શિકાર બન્યા હતા. જેમાંથી ૬૩ ટકાને આર્થિક નુકસાન વેઠવું પડયું હતું. ૬૬ ટકા ભારતીયનું કહેવું છે કે, તેઓ કોઇને કોઇ સાઇબર ફ્રોડનો શિકાર બન્યા છે.