વિશ્વની મહાસત્તા પર મહાસંકટ : અમેરિકામાં કોરોનાનો ફેલાવો હોસ્પિટલો ઉભરાવા લાગી ગઈ

India
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

અમેરિકાએ લોકડાઉનમાં આપેલી રાહત કોરોના માટે આશીર્વાદરૂપ બની ગઈ છે. છેલ્લાં બે સપ્તાહથી અમેરિકામાં કૂદકેને ભૂસકે ચેપગ્રસ્તોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ૫૦માંથી ૩૩ રાજ્યોમાં કોરોનાના ચેપનો ઝડપથી ફેલાવો થઇ રહ્યો છે. અમેરિકામાં છેલ્લા ચાર દિવસથી રોજ ઓછામાં ઓછા ૬૦ હજાર દર્દી મળી રહ્યાં છે. ગત ગુરુવારે અત્યાર સુધીના સૌથી વધુ ૭૧,૭૮૭ દર્દી મળ્યા હતા. છેલ્લા ૨૪ કલાકમાં ૬૧,૭૧૯ નવા કેસ સામે આવ્યા હતા. અમેરિકામાં કુલ ૩૩,૫૬,૨૪૨ દર્દી મળ્યાં છે. જોકે ૧,૩૭,૪૧૪ લોકો મૃત્યુ પામ્યા છે. અમેરિકી સ્વાસ્થ્ય વિભાગે પહેલી વખત ફ્લૉરિડાની હોસ્પિટલોમાં દાખલ દર્દીઓની સંખ્યા બહાર પાડી હતી. સ્વાસ્થ્ય નિષ્ણાતો અનુસાર તેના માટે વિભાગ પર દબાણ કરાયું હતું. ફ્લૉરિડામાં ૬૯૯૧ દર્દી હોસ્પિટલમાં દાખલ છે.

અહીં મિયામી ડેડ કાઉન્ટી હોટસ્પોટ તરીકે ઉભરી રહી છે. ગત ૧૪ દિવસમાં અહીંની હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા ૭૪ ટકા વધી ગઈ છે. આઈસીયૂમાં ૮૮ ટકા દર્દી વધ્યાં છે. જ્યારે વેન્ટિલેટરનો ઉપયોગ ૧૨૩ ટકા વધી ગયો છે. આ કાઉન્ટીમાં ચેપનો સરેરાશ દર ૧૮ ટકા વધ્યો છે. જોકે તે અત્યાર સુધીનો સૌથી વધુ છે. જેક્સન મેમોરિયલ હોસ્પિટલના ડૉ. ડેવિડ જેરડાએ કહ્યું કે મિયામી ડેડ ફક્ત એક ઉદાહરણ છે. સંપૂર્ણ દક્ષિણ ફ્લૉરિડામાં સ્થિતિ બદતર થઈ ચૂકી છે. સ્વાસ્થ્યકર્મીઓ પર કામનું ભારણ વધી ગયું છે. ટ્રમ્પ પણ સ્થિતિનું મૂલ્યાંકન કરવા શુક્રવારે મિયામી ડેડ પહોંચ્યા હતા. સમગ્ર ફ્લૉરિડામાં કોરોનાના અત્યાર સુધી ૧૧,૪૩૩ કેસ સામે આવ્યા છે. કેલિફોર્નિયામાં ૧૪૯ નવા મૃત્યુ થયા છે. અત્યાર સુધી અહીં ૩ લાખથી વધુ કેસ સામે આવી ચૂક્યા છે.

અહીં પણ ૧૪ દિવસનો સરેરાશ ચેપનો દર ૭.૪ ટકા વધી ગયો છે. તેમાં ૬૦ ટકા દર્દીઓ ૧૮-૪૯ વર્ષના છે. કેલિફોર્નિયાની જેલોમાં કોરોનાથી અત્યાર સુધી ૨૫ લોકો મૃત્યુ પામ્યા છે. તેના પછી સરકારે ઓગસ્ટ સુધી ૮ હજાર કેદીઓને મુક્ત કરવાની જાહેરાત કરી હતી. ટેક્સાસ, જ્યોર્જિયામાં પણ હોસ્પિટલોમાં બેડ ખૂટી પડ્યા હતા. જ્યોર્જિયા  એટલાન્ટા શહેરના વર્લ્ડ કો઼ગ્રેસ સેન્ટર હોલને હોસ્પિટલમાં રૂપાંતરિત કરાયું છે. બીજી બાજુ કેરોલિનામાં એક સાંસદ કોરોના ચેપગ્રસ્ત થયા છે. જોકે અત્યાર સુધી ૨૮ રાજ્યોના ૭૫ સાંસદ ચેપગ્રસ્ત થઈ ચૂક્યા છે.