બનાવટી મીઠું બનાવતી ફેક્ટરી પકડાઇ : ભેળસેળીયાઓનો આતંક

India
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

દેશમાં બનાવટી વસ્તુઓની દ્યટનાઓ વિશે આપણે અવારનવાર સાંભળતા જ રહીએ છીએ. કયારેક નકલી પૈસા બનાવવાનું રેકેટ ઝડપાય છે, તો કયારેક નકલી સર્ટિફિકેટ બનાવવાનું રેકટ ઝડપાય છે. કયારેક જાણીતી કંપનીઓના નામે ચાલતી પ્રોડકટમાં ભેળસેળ કરીને વસ્તુઓ વેચવાનું રેકેટ ઝડપાય છે. ત્યારે હાલમાં જ દિલ્હીમાં ટાટા મીઠામાં ભેળસેળ કરીને મીઠું વેચતી ફેકટરીનો ભાંડાફોડ થયો છે.

રાજધાની દિલ્હીના પ્રહલાદપૂર બાંગર વિસ્તારમાં પોલીસે નકલી ટાટા મીઠું બનાવનારી ફેકટરીનો ભાંડાફોડ કર્યો છે. રિપોર્ટ્સ અનુસાર, પોલીસની એક ટીમ પ્રહલાદપુર બાંગર વિસ્તારમાં એક દુકાન પર છાપેમારી કરવા ગઈ હતી. એ દરમિયાન નકલી ટાટા મીઠું બનાવનારી એક ફેકટરીની જાણકારી મળી હતી. ત્યાંથી ૩ હજાર કિલોગ્રામથી પણ વધારે નકલી મીઠું મળી આવ્યું હતું. દિલ્હી પોલીસે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, દુકાનદારને કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યો છે અને કોપીરાઈટ એકટ હેઠળ ફોજદારી ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

દેશના ઘણા વિસ્તારોમાં મોટાભાગે જાણીતી કંપનીઓના નકલી ઉત્પાદન બનાવનારી ફેકટરીઓના ભાંડફોડની ખબરો આવતી રહે છે. જાન્યુઆરીમાં જ દિલ્હીમાં જિંદપુર વિસ્તારમાં એક એવી જ ફેકટરી મળી આવી હતી. આ નકલી ટાટા મીઠું, સર્ફ એકસેલ અને ટાઈડ વોશિંગ પાઉડરના નકલી રેપર જપ્ત કરવામાં આવ્યા હતા. પોલીસે ત્યાં પણ મોટી માત્રામાં તૈયાર નકલી મીઠું અને વોશિંગ પાઉડર જપ્ત કર્યા હતા. આ નકલી મીઠું અને વોશિંગ પાઉડરને દિલ્હીની બજારમાં વેચી દેવામાં આવતા હતા.

નકલી ઉત્પાદનોની આટલી મોટી માત્રામાં મળી આવવું નિશ્વિતરૂપથી ચિંતાનો વિષય છે. એક તરફ આ નકલી ઉત્પાદન ગ્રાહકોના ખિસ્સા સાથે છેતરપિંડી કરે છે. તો બીજી તરફ તેમના સ્વાસ્થ્ય સાથે ગંભીરરૂપે રમત રમે છે. એવામાં જરૂરી છે કે, ઉપભોકતાઓ સામનોની ખરીદી કરતી વખતે વસ્તુ અસલી છે કે નહીં તેની ચકાસણી કરી લે. તેના માટે કોઈ ભરોસાપાત્ર દુકાનેથી સામાનની ખરીદી કરવામાં આવે એ વધારે સુરક્ષિત છે.