ડેન્ટલ સર્જને કરેલી રૂટ કેનાલ ટ્રીટમેન્ટમાં ખામી થઈ હોવાનો આક્ષેપ કરતી ફરિયાદ ગ્રાહક અદાલતે રદ કરી

Blogs
સારવાર અધુરી છોડીને ચાલી ગયેલ દર્દીએ પાછળથી ડોક્ટર સામે ક્ષતિની ફરિયાદી કરી હતી

  • શ્રેયસ દેસાઈ, એડવોકેટ

સુરતના દાંતના ડોક્ટર પાસે પોતે કરાવેલ રૂટકેનાલ ટ્રીટમેન્ટમાં ડોક્ટરના પક્ષે સેવામાં ખામી અને બેદરકારી થઈ હોવાનું અને તેને કારણે પોતાને હેરાનગતિ અને હાની થયેલ હોવાની આક્ષેપ કરતી મૂળ અમદાવાદના દર્દીની ફરિયાદ ગ્રાહક અદાલતે રદ કરતો અને ડોક્ટરની સેવામાં કોઈ ખામી ન થઈ હોવાનું ઠરાવતો હુકમ કર્યો છે.

મૂળ અમદાવાદના નિવાસી એન.જી. ઠક્કરે (ફરિયાદી)એ સુરતના ડેન્ટલ સર્જન ડો. પૂજા મોદી (બી.ડી.એસ.) (સામાવાળા) વિરૂદ્ધ સુરતની જિલ્લા ગ્રાહક અદાલતમાં દાખલ કરેલ. ફરિયાદની હકીકત એવી હતી કે, ફરિયાદીને તા. 11-02-2017ના રોજ દાઢમાં દુઃખાવાની તકલીફ ઊભી થતાં ફરિયાદી તા. 11-02-2017ના રોજ સામાવાળાની ક્લીનીકમાં સારવાર માટે ગયેલા. સામાવાળાએ દાઢની તપાસ કરી અને એક્ષ-રે લઈ જણાવેલું કે જમણી તરફના ઉપરના જડબામાં ત્રણ દાઢમાં રૂટકેનાલ ટ્રીટમેન્ટ કરવી પડશે. એક દાઢના રૂ. 2500 પ્રમાણે રૂ. 7500 ચૂકવવા પડશે. જે માટે ફરિયાદીએ સંમતિ આપેલી. ત્યારબાદ, તા. 13-02-2017, તા. 06-03-2017, તા. 11-03-2017ના રોજ ફરિયાદીએ સામાવાળાની ક્લીનીકની મુલાકાત લીધેલી. અને બે તબક્કામાં રૂ. 7500 ચૂકવેલા. ત્યારબાદ, થોડા દિવસ પછી સામાવાળા દ્વારા દાઢમાં કરેલ પોલાણ ધીમે ધીમે નીકળી ગયેલું અને ફરીથી દુઃખાવો થતાં ફરિયાદીને અમદાવાદમાં વારંવાર પેઇન કીલર દવાઓ લેવી પડેલી. ત્યારબાદ, ફરિયાદીએ સુરત આવી સામાવાળાને બતાવતા સામાવાળાએ સારવાર આપી ફરીથી પુરાણ કરેલું. તેમ છતાં થોડા દિવસ પછી ફરિયાદીને ફરિ દાઢમાં અસહ્ય દુઃખાવો જણાતા તા. 01-11-2018ના રોજ સુરતમાં અન્ય ડેન્ટલ સર્જનને બતાવેલું જે ડોક્ટરે ફરિયાદીની એક પણ દાઢમાં રૂટ કેનાલ ટ્રીટમેન્ટ આપવામાં આવી નથી એવું જણાવેલ હોવાનો ફરિયાદીનો આક્ષેપ હતો, ત્યારબાદ, ફરિયાદીએ અન્ય ડેન્ટલ સર્જન પાસે રૂ. 4000 ચુકવી રૂટકેનાલ ટ્રીટમેન્ટ કરાવેલી. એ રીતે આ કામના સામાવાળાએ સેવામાં દાખવેલ હોય. ફરિયાદીને અસહ્ય હાડમારી તેમજ માનસિક અને શારીરિક ત્રાસ, ભોગવવો પડેલ હોઈ કુલ રૂ. 60,000 નું વળતર મેળવવાની દાદ ફરિયાદમાં માંગેલ.

સામાવાળા તરફે શ્રેયસ દેસાઈ એડવોકેટ અદાલત સમક્ષ રજુઆત કરતા જણાવ્યુ હતું કે, તા. 11-02-2017ના રોજ પ્રથમ કન્સ્લટેશન વખતે સામાવાળાએ ફરિયાદીને સમજ આપેલ કે, રૂટકેનાલ ટ્રીટમેન્ટમાં ત્રણ તબક્કા હોય છે. પહેલા તબક્કામાં દાઢની નસો ખુલ્લી કરી કાઢી નાંખવાની કામગીરી (રૂટકેનાલ ઓપનીંગ) કરવામાં આવે છે અને તે રૂટકેનાલ ઓપનીંગની કામગીરી દરમ્યાન સડો સાફ કરી, નસો કાઢીને ખુલ્લી કરવામાં આવે છે. અને ત્યારબાદ તેમાં રૂઝ આવે તે માટે કામચલાઉ ડ્રેસીંગ કરવામાં આવે છે અને દાઢમાં થયેલ ઇન્ફેકશન દુર થાય તે માટેની ટેબલેટ આપવામાં આવે છે. પહેલા તબક્કા બાદ બીજા તબક્કાની અંદર અગાઉ ખોલેલ નસોમાંનું ડ્રેસીંગ ખોલી તેમાં બાયોમીકેનીકલ પ્રીપેરેશનથી ડ્રેસીંગ કરવામાં આવે છે. અને ત્યારબાદ છેલ્લા યાને ત્રીજા તબક્કામાં ખુલ્લી કરેલ નસોમાં રૂટકેનાલ ફીલીંગ (ઓમ્ચ્યુરેશન)ની કામગીરી કરવામાં આવે છે. એવી સમજ આપ્યાબાદ, ફરિયાદીએ સારવાર માટે સમતિ આપ્યાબાદ, ફરિયાદીની ત્રણ દાઢ પૈકી એક દાઢની રૂટકેનાલ ઓપનીંગની કામગીરી સામાવાળાએ કરેલ અને દુખાવો દબાવવા માટેની દવા પ્રિસ્ક્રાઇબ કરી આપેલ અને તા. 13-02-2017ના રોજ બાકીની બે દાઢની રૂટકેનાલ ઓપનીંગની કામગીરી કરવામાં આવેલ. આમ, રૂટકેનાલ ઓપનીંગની કાર્યવાહી બાદ ત્રણેય દાઢોમાં સામાવાળાએ દવાથી ડ્રેસીંગ કરી, દુખાવો દબાવવા (પેઇન કીલર ટેબ્લેટ)ની દવા લખી આપેલ. તા. 13-2-2017 પછી બીજા તથા ત્રીજા તબક્કાની કાર્યવાહી કરવા માટે એપોઇન્ટમેન્ટ લઈ મહત્તમ અઠવાડિયામાં આવી જવા માટે ફરિયાદીને તાકીદ કરવામાં આવેલી. ફરિયાદીએ 3 દાઢની કામગીરી પેટે કુલ રૂ. 7,500 નો ખર્ચ પેટે રૂ. 2,500 રોકડા જમા કરાવેલ.

આમ બીજા તબક્કાની કામગીરી માટે સૂચવેલ સમયમર્યાદામાં ફરી આવવાના બદલે છેક તા. 06-03-2017ના રોજ આવેલ અને તે દિવસે સામાવાળાએ ફરિયાદીની દાઢ જોતાં તેમાં ફરી ઇન્ફેકશન થયેલ હોવાનું જણાવેલ, તેથી સામાવાળાએ ફરી દાઢની સફાઈ કરી, ડ્રેસીંગ કરી દવા આપેલ અને બાકીની સારવારના તબક્કાઓ પુરા કરવા ફરિયાદીને તાકીદ કરેલ. સામાવાળાએ ફરિયાદીને આગળની સારવાર માટે તા. 08-03-2017ના રોજ આવવા જણાવેલ, પણ આવેલ નહીં. આ દરમ્યાન ફરિયાદીએ બાકી સારવારના ખર્ચના રૂ. 5000ની રકમની ચૂકવણી માટે ચેક આપેલ, જે સામાવાળાએ બેંકમાં ભરતા, અપુરતા બેલેન્સના કારણે પરત આવેલ, જેની ફરિયાદીને જાણ કરવામાં આવેલ.

ફરિયાદી તા. 06-03-2017 બાદ તા. 11-03-2017ના રોજ બીજા તબક્કાની સારવાર માટે સામાવાળાને ત્યાં આવેલ, ત્યારે સામાવાળાએ બાયોમેડીકલ પ્રીપેરેશનથી ડ્રેસીંગ કરેલ અને છેલ્લા યાને ત્રીજા તબક્કાની કામગીરી યાને રૂટકેનાલ ફીલીંગ માટે ફરિયાદીને તા. 14-03-2017ના રોજ આવવા જણાવેલ. આ દિવસે યા ને તા. 11-03-2017ના રોજ આપે પરત આવેલ ચેકના રૂ. 5000 રોકડા સામાવાળાને ચૂકવી આપેલ.

તા. 11-03-2017 બાદ ફરિયાદી સામાવાળાને ત્યાં કોઈ સારવાર લેવા માટે આવ્યા જ નથી. આમ, ફરિયાદીની સારવારની કામગીરી ફરિયાદીએ દાખવેલ નિષ્કાળજીના કારણે અધુરી રહેલ અને રૂટકેનાલ ઓપનીંગ બાદ ફક્ત બાયોમીકેનીકલ પ્રીપેરેશનથી ડ્રેસીંગની કામગીરી સુધીનો જ તબક્કો થયેલ હોય અને રૂટકેનાલ ફીલીંગની કામગીરી બાકી રહેલ હોય, સારવાર ફરિયાદીના કારણે જ અધુરી રહેલ. ખુલ્લી થયેલ નસને બંધ કરવા માટે રૂટકેનાલ ફીલીંગની કામગીરી થવી જરૂરી છે, જે કામગીરી સુધી ફરિયાદીએ જાતે જ નિષ્કાળજી દાખવી સારવારને પહોંચવા દીધી નથી. આ હકીકતમાં અધુરી સારવારના પરિણામ બાબતની સંપૂર્ણ જવાબદારી ફરિયાદીની જ છે.

રૂટકેનાલની ટ્રીટમેન્ટ અધૂરી રહી હોવાની તેમજ રૂટકેનાલ ફીલીંગની કામગીરી ફરિયાદીઓએ પૂર્ણ કરાવેલ ન હોવાની અન્ય કોઈ ડોક્ટર દ્વારા જો એ-ક્ષરે પાડવામાં આવે તો દેખીતી રીતે જ એક્ષ-રેમાં રૂટફીલીંગ જણાય નહીં, પરંતુ આગળ ઉપર જણાવ્યા મુજબ રૂટકેનાલ ફીલીંગની કામગીરી અધૂરી રહેવાનું કારણ ફરિયાદીની પોતાની બેદરકારી છે. જેમાં સામાવાળાના પક્ષે કોઈ બેદરકારી યા સેવામાં ક્ષતિ ન હતી.

સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ (મેઇન)ના પ્રમુખશ્રી ન્યાયાધીશ શ્રી એ.એમ. દવે અને સભ્યશ્રી રૂપલબેન બારોટે ફરિયાદી સામાવાળા ડો. પૂજા મોદીના પક્ષે સારવારમાં કોઈ ખામી હોવાનું દર્શાવી ન શક્યા હોવાનું બતાવી ફરિયાદીની ફરિયાદ રદ કરતો હુકમ કર્યો છે.