શું આ વાત સાચી છે કે, નિરોધના ઉપયોગથી નપુંસકતાની અસર આવી જાય છે?

Blogs

ડૉ. મુકુલ ચોકસીની કલમે દર શનિવારે વાંચો : સેક્સ અંગેના અઘરા સવાલોનાં તદ્દન સહેલા જવાબ!

ડૉ. મુકુલ ચોકસી

મારા હમણાં જ મેરેજ થયા છે. મેં નિરોધ વાપરવાનું નક્કી કર્યું હતું, પરંતુ મારો એક મિત્ર કહે છે કે, નિરોધથી તેને પોતાને નપુંસકતાની અસર આવી ગઈ હતી. આથી મેં તેનો ઉપયોગ ન કરવાનું નક્કી કર્યું છે. શું આ વાત સાચી છે કે, નિરોધના ઉપયોગથી નપુંસકતાની અસર આવી જાય છે ?

‘જી, ના.’ પુરુષના શિશ્ન ઉપર થોડી મિનિટો માટે એક લેટેક્સનું કે પાતળા રબરનું આવરણ લગાડવાથી તે નપુંસક નથી થઈ જતો. આપને મળેલ માહિતી સદંતર ખોટી છે. મારા માનવા પ્રમાણે બન્યું હશે એવું કે, આપનો નવપરિણીત મિત્ર લગ્નના શરૂઆતના ગાળામાં એકાદવાર નિષ્ફળ ગયો હશે. તે વખતે સંજોગવશાત્ પહેલીવાર જ નિરોધનો ઉપયોગ કર્યો હશે. આથી ‘કાગનું બેસવું ને ડાળનું પડવું’ જેવું થયું હોવું જોઇએ.

વાસ્તવમાં આવું એકાદવાર બનવા પાછળ કેટલાંક ચોક્કસ મનોવૈજ્ઞાનિક કારણો જરૂર હોય છે. બને છે એવું કે, પ્રથમવાર નિરોધ વાપરનાર ઘણાં પુરુષો કામક્રીડા પણ પ્રથમવાર માણી રહ્યા હોય છે. આથી તેઓ સ્વાભાવિક રીતે થોડા ચિંતત હોવાના જ. નિરોધ કઈ રીતે પહેરવું તે ઘણાંને ખબર નથી હોતી. આથી પહેરતી વખતે થોડી ઘણી ગૂંચવણ ઊભી થાય છે. તેમાં સમય લાગે છે. વળી બરાબર પહેરાયું હશે કે કેમ તે અંગે સહેજ શંકા પણ રહે છે. આ બધાંને કારણે મન બીજે વળે છે. ડિસ્ટ્રેક્ટ થાય છે. જેથી ક્ષણિક પરસ્પરની કામરમતોમાંથી મળતો જાતીય આનંદ ઘટે છે અને જેને લીધે શિશ્ન ક્ષણેક ઢીલું પડેલું લાગે છે.

જે વ્યક્તિ શરીરના આ સાહજિક રિસ્પોન્સને સમજીને આગળ વધે છે, તે ફરી પાછો પુનઃ કામક્રીડાનાં આનંદમાં પરોવાઈ શકે છે. અને સફળતાપૂર્વક કામક્રીડાની પૂર્ણતાનો આરે પહોંચી શકે છે. જેને પોતાના શિશ્નોત્થાનને પળભર મંદ પડેલું જોઈને ચિંતા થઈ આવે છે તેને જ મુશ્કેલી પડે છે. આમ નિરોધ પોતે નહીં પણ તેને કારણે આવેલું ધ્યાનભંગ / ડિસ્ટ્રેકશન સમસ્યારૂપ બને છે.

અહીં સહેજ આડવાત કરી લઈએ કે, ફક્ત નિરોધ જ નહીં… અન્ય એવી ઘણી વસ્તુઓ – પ્રવૃત્તિઓ – પરિસ્થિતિઓ હોય છે જેને કારણે વ્યક્તિનું ધ્યાન કામાનંદને બદલે બીજે દોરવાય છે અને જે ક્ષણિક સેક્સની સમસ્યા સમજી શકે છે. જેમ કે શયનખંડના દરવાજા ઉપર ટકોરા થવા, પ્રણયકેલી વખતે ફોન રણકવો, પતિપત્ની વચ્ચે કોઈક વાતની શાબ્દિક ટપાટપી થવી, બહાર કોલાહલ થવો, આસન નક્કી કરવામાં છેલ્લી ઘડીએ ગૂંચ થવી, કોઈ અન્ય વ્યવહારિક કામ યાદ આવવું. આ યાદી ખૂબ મોટી થઈ શકે. પણ એવા તમામ કિસ્સામાં સૌથી વધુ યાદ રાખવા જેવી વાત એક જ છે કે, આવા કશાય ડિસ્ટ્રેકશન કે ધ્યાન ભંગથી કાયમી નપુંસકતા આવી જતી નથી.

મારી પ્રેયસી મારા કરતાં છ વર્ષ મોટી છે. શું અમે લગ્ન કરીએ તો સેક્સ ભોગવવામાં સફળ થઈશું ખરાં? કે કોઈ મુશ્કેલી આવશે?

સેક્સની સફળતા કે નિષ્ફળતાનો આધાર પતિ-પત્નીની ઉંમરના તફાવત ઉપર નિર્ભર નથી હોતો, સિવાય કે એ તફાવત ખૂબ મોટો હોય. તમારી ઉંમર વચ્ચેનો તફાવત સામાન્ય ગણાય. વાસ્તવમાં ઘણાં સમાન ઉંમર ધરાવતાં યુવક-યુવતીઓ પણ જાતીય સમસ્યાઓથી પીડાતાં જોવા મળે છે. જ્યારે સામાન્ય પાંચ-સાત વર્ષનો તફાવત હોવા છતાં આનંદિત સેક્સલાઇફ વ્યતીત કરતાં હોય એવાં ય ઘણાં દંપતી જોવા મળશે.