મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ હોસ્પિટલમાં લાગેલી આગ અંગે તપાસના આદેશ આપ્યા

Gujarat
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

અમદાવાદમાં નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં બનેલી આગની ઘટનામાં ૮ કોરોના દર્દીના મૃત્યુ થયા છે. શ્રેય હોસ્પિટલમાં જ્યારે આગ લાગી ત્યારે આઇસીયુમાં ૧૦ કોરોના દર્દી હતા. જ્યારે હોસ્પિટલમાં કુલ ૪૯ કોરોના દર્દી હતા તેમાંથી ૮ના મોત થયા છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ આગની ઘટના વિશે ટ્વીટ કરીને કહ્યું કે, અમદાવાદની કોવિડ હોસ્પિટલમાં આગની ઘટનાથી વ્યથિત છું. ઈજાગ્રસ્તો જલદી સાજા થાય તેવી શુભેચ્છા આપું છું અને પરિવારજનોને સાંત્વના. મેં આ મુદ્દે મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને મેયર બિજલ પટેલ સાથે વાત કરી. તંત્ર અસરગ્રસ્તોને તમામ પ્રકારનો સહયોગ કરી રહ્યું છે.

મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ અમદાવાદના નવરંગપુરામાં શ્રેય હોસ્પિટલની આગની દુર્ઘટનામાં તાત્કાલિક તપાસનો આદેશ આપ્યો છે. આ બનાવની તપાસ રાજયના વરિષ્ઠ આઈ.એ.એસ અધિકારી અને ગૃહવિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંહ અને શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પૂરીને સોંપવામાં આવી છે. આ ઘટનામાં કોણ જવાબદાર છે તે નિયત કરવા ત્રણ દિવસમાં તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.