ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલ બુધવારથી ચાર દિવસ સૌરાષ્ટ્રની મુલાકાતે

India
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ચાર દિવસ સૌરાષ્ટ્રની મુલાકાતે આવશે 19મીએ બુધવારે સવારે 8 કલાકે સિંહ સદન સાસણગીર ખાતેથી રેલી સ્વરૂપે નીકળી સવારે 9 વાગ્યે સોમનાથ મંદિર પહોંચશે. ભગવાન સોમનાથ મહાદેવના દર્શન કરીને તેમના સૌરાષ્ટ્ર પ્રવાસની શરૂઆત કરશે. સોમનાથ ખાતે તેઓ ગીર સોમનાથ જિલ્લાના સંગઠનના વિવિધ શ્રેણીના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજશે. સોમનાથથી વેરાવળ, કેશોદ, વંથલી, ગાંઠીલા ઉમિયાધામ મંદિરે દર્શન કરી તેઓ જૂનાગઢ શહેર પહોંચશે.

ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ પ્રદેશ અધ્યક્ષના ચાર દિવસીય પ્રવાસની વિગતો આપતા જણાવ્યું હતું કે, સમગ્ર રૂટ દરમિયાન નિર્ધારિત કરેલ સ્થળોએ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનું કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરવામાં આવશે. જૂનાગઢ શહેર સંગઠનના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ બેઠક યોજશે.

ઝડફિયાએ જણાવ્યું હતું કે, તારીખ 20 ઓગસ્ટ 2020 ગુરુવારે સવારે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં જૂનાગઢ જિલ્લા સંગઠનની બેઠક યોજાશે. ત્યારબાદ જુનાગઢથી જેતપુર થઈ ખોડલધામ દર્શન કરી ગોંડલ થઈને રાજકોટ પહોંચશે, જ્યાં રાજકોટ શહેરના કાર્યકર્તાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે. તારીખ 21 ઓગસ્ટ 2020 શુક્રવારે તેઓ તબક્કાવાર રીતે રાજકોટ જિલ્લા અને શહેરના સંગઠનના હોદ્દેદારો અને અપેક્ષિત શ્રેણીના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજશે.

ઝડફિયાએ જણાવ્યું હતું કે, શનિવારે પ્રદેશ અધ્યક્ષ ચોટીલાથી ઝાંઝરકા થઇ સવઘણ મંદિરે દર્શન કરી ધંધુકા પહોંચશે જ્યાં ભાજપાની વિચારધારાને દાયકાઓ સુધી વરેલા રહેનાર, ભાજપાના અદના કાર્યકર્તા સ્વ.જગદીશભાઈ સોનીના પરિવાર સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરશે. બાવળા, બગોદરા ખાતે પણ તેમનું કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત અને અભિવાદન કરવામાં આવશે જ્યાંથી તેઓ સુરત માટે રવાના થશે.