મૈં યહાં, તું વહાં, જિંદગી હૈ કહાં

Blogs

  • નરેશ શાહ દ્વારા

શનિવારે થયેલાં અકસ્‍માત પછી અમિતાભ બચ્‍ચનની તબિયત પ્રતિ કલાકે વધુને વધુ વણસતી જતી હતી. એકસ-રેમાં કશું આવતું નહોતું છતાં શહેનશાહ સતત તેની સ્‍વસ્‍થતાનો ઠાઠ ગુમાવતાં જતા હતા. અખબારોમાં અનાપસનાપ વાતો આવવા માંડી હતી. બેંગ્‍લોરની સેંટ ફિલોમીના હૉસ્‍પિટલ બહાર ચાહકોના ટોળાં વધવા માંડયા હતા. શૂટીંગ ત્રણ દિવસથી અટકી ગયું હતું. નિર્માતા-દિગ્‍દર્શક મનમોહન દેસાઈ બેંગ્‍લોરનાં રાજેશ્વરી મંદિરમાં પ્રાર્થના કરવા પહોંચી ગયા હતા…

અમિતાભ બચ્‍ચનની હેલ્‍થ અને નિદાન સાવ દિશાહીન હતા પણ યોગાનુયોગનું જ બીજું નામ ચમત્‍કાર હોય છે. સુખ્‍યાત યુરોલોજીસ્‍ટ ડૉ. એચ. એમ. ભટ્ટ એક અન્‍ય ઓપરેશન માટે હૉસ્‍પિટલમાં આવેલા. તેમણે બીગ બી ને તપાસ્‍યા અને કહ્યું કે, આંતરડું ફાટી ગયું છે અને અડતાલીસ કલાકથી સારવાર નથી થઈ એટલે તાત્‍કાલિક ઓપરેશન કરવું પડશે!

આ નિદાન સાંભળીને બેભાન થઈ ગયેલા બીગ બીના ફેમિલી ફિઝિશ્‍યન ડૉ. શાહ ભાનમાં આવ્‍યા ત્‍યારે અમિતાભ પર ત્રણ કલાક ચાલનારું ઓપરેશન શરૂ થઈ ગયું હતું. અમિતાભ બચ્‍ચન જો કે એ પછી પણ આઉટ ઑફ ડેન્‍જર થયા નહોતા. મંગળવારના ઓપરેશન પછી બુધવારે નિદાન થયું કે બીગ બીને ન્‍યુમોનિયા થયો છે. ગુરુવારે તબિયત વધુ બગડી. બીગ બી હવે બડબડાટ કરવા લાગ્‍યાં હતા. નળીઓ ખેંચવાની કોશિશ કરતા હતા. સલાહ થઈ કે અમિતાભને મુંબઈ લઈ જવા વધુ હિતાવહ છે. જો કે આ દરમિયાન જ લોહીના ટેસ્‍ટ રિપોર્ટ આવતાં ખબર પડી કે બીગ બીના બ્‍લડમાં પ્‍લેટલેટસ ઘટી ગયા છે. નાનકડા વિમાનની બદલે એર બસમાં ‘બિમારીના આ પોટલાં’ને મુંબઈ લાવવાનું નક્કી થયું. અમિતાભ પરના પોતાના આગામી પુસ્‍તકમાં લેખક-પત્રકાર અરવિંદ શાહ લખે છે કે, આગળના દરવાજે બહુ ભીડ હોવાથી છેલ્લી ઘડીએ હૉસ્‍પિટલના પાછળના રસ્‍તેથી અમિતાભને એરપોર્ટ લઈ જવામાં આવ્‍યો. એર બસની એક્‍ઝિક્‍યુટિવ કલાસની ત્રણ સીટ કાઢીને ત્‍યાં ઇન્‍ટેન્‍સીવ કેર યુનિટ ઉભું કરવામાં આવ્‍યું. રાત્રે પોણા એક વાગ્‍યે બેંગ્‍લોરથી એર બસ નીકળી જેમાં અમિતાભના ઘરના સભ્‍યો, ડૉક્‍ટર્સ અને સેંટ ફિલોમીના હૉસ્‍પિટલની નર્સ સિસ્‍ટર થેરેસા મારિયા પણ હતી. વહેલી સવારે અમિતાભને મુંબઈની બ્રીચ કેન્‍ડી હૉસ્‍પિટલમાં લાવવામાં આવ્‍યો!

 બીજી ઓગસ્‍ટે અમિતાભ પર ફરી ઓપરેશન કરવામાં આવ્‍યું કારણ કે આગલા ઓપરેશનના ટાંકા કોઈ કારણસર તૂટી ગયા હતા. આ ઓપરેશન આઠ કલાક ચાલ્‍યું અને પછી થાકેલાં ડૉક્‍ટરોએ બીગ બીને ભગવાનના ભરોસે મૂકી દીધો હતો એવું અરવિંદ શાહ લખે છે, કારણ કે શૂટીંગના અકસ્‍માત પછી અમિતાભની તબિયત સતત આઉટ ઓફ કંટ્રોલ થતી જતી હતી.

આવું થવાનું કારણ શું? અચાનક ઘા લાગતાં વ્‍યક્‍તિના આંતરડા સંકોચાઈ જાય છે. ગમે તે કારણસર અમિતાભના આંતરડા સંકોચાયા નહીં અને પરિણામ તેનું નાનું આંતરડું ફાટી ગયું. આ પરિસ્‍થિતિમાં તબીબીશાષામાં ઓપરેશન સિવાય અન્‍ય કોઈ ઉપાય નથી રહેતો. અમિતાભના કિસ્‍સામાં ડોક્‍ટરોને તેને થયેલી ઇજા વિષે કંઈ ન સમજાતા બધી મુશ્‍કેલી ઊભી થઈ હતી. એકસ-રે જોઈને પણ ડૉક્‍ટરોને કંઈ સમજાયું નહીં. તબીબી વિજ્ઞાન પ્રમાણે આંતરડું ફાટી જાય તો ચાર કલાકની અંદર ઓપરેશન કરવાનું અનિવાર્ય બની જાય છે. અમિતાભની બાબતમાં 24 કલાક પછી ડૉક્‍ટરોને બોલાવવામાં આવ્‍યાં અને પચાસ કલાક પછી ઓપરેશન કરવામાં આવ્‍યું. તબીબી ભાષામાં એને લેપ્રોટોમી (Laparotomy) કહે છે. પેટ ઉપર ચીરો મૂકયા પછી ખબર પડી કે માત્ર નાનું આંતરડું જ નહીં, પેરિટોનીયમ (Peritoneum) પણ ફાટી ગયું હતું. પેટની ચામડીની નીચે બે પડની એક પડદી (Membranc) હોય છે જેને પેરિટોનીયમ કહે છે. પેરિટોનીયમ પેટની અંદરના વિભિન્‍ન અંગ-પ્રત્‍યાંગને પોતપોતાની જગ્‍યાએ રાખવાનું અને તેમનો સ્રાવ એકબીજામાં ન પ્રવેશે તેનું ધ્‍યાન રાખવાનું કામ કરે છે.

પેરિટોનિયમ વિસેરાની ઉપરના ભાગને મુલાયમ અને પોચો રાખે છે જેથી જુદા જુદા અંગ-પ્રત્‍યાંગ વચ્‍ચે ઘર્ષણ ન થાય. કયારેક કોઈ અંગને ઈજા થાય તો તેનો ઘા રૂઝાવવાનું કામ પણ કરે છે. આંતરડું અને પેરિટોનિયમ ફાટી જાય એટલે ખાદ્ય પદાર્થો અને મળ નીકળીને જુદાં જુદાં અંગોના છિદ્રોમાં પ્રવેશી જાય છે. મળ હંમેશા ઝેરી અને જીવાણુયુક્‍ત હોય છે. ખોરાકમાં એસિડ હોય છે. આ બંને અનિચ્‍છનીય વસ્‍તુઓ લોહીમાં ભળી જાય તેને સેપ્‍ટીસીમીયા (Septicaemia) કહે છે. અમિતાભની સાથે આમ જ થયું હતું અને પરિણામે તે ન્‍યુમોનિયામાં સપડાઈ ગયો હતો.

કહેવત છે કે માણસનો ખરાબ સમય એકલો નથી આવતો. અમિતાભને દમ એટલે કે અસ્‍થામાની બિમારી તો પહેલેથી જ હતી. આ બધું થયું એટલે તેનો અસ્‍થમા પણ વધી ગયો. કમળો પણ તેના ઉપર સવાર થઈ ગયો. ટૂંકમાં મામલો કાબુ બહાર જતો રહ્‌યો હતો અને એક તબક્કે તો મુંબઈના સાંજના અખબારોમાં અમિતાભના મોતની ખબર પણ છપાઈ ગઈ હતી. બેંગ્‍લોરની સેંટ ફિલોમીનાના ડોક્‍ટરોએ ઓપરેશન પછી અમિતાભના માતા તેજીજીને સ્‍પષ્‍ટ શબ્‍દોમાં કહી દીધું હતું કે જેને બોલાવવા હોય તેને બોલાવી લો!

* * *

24 સપ્‍ટેમ્‍બર, 1982.

અકસ્‍માતના બરાબર બે મહીના પછી મુંબઈની બ્રીચ કેન્‍ડી હૉસ્‍પિટલમાંથી રજા લઈને બીગ પોતાના સૌ પ્રથમ વસાવેલા બંગલા ‘પ્રતિક્ષા’માં ગયા ત્‍યાં સુધીમાં ખૂબ બધું બની ગયું હતું. અમેરિકાનો પ્રવાસ ટૂંકાવીને પહેલાં રાજીવ ગાંધી બચપન કે યારને જોવા હૉસ્‍પિટલ આવી ગયા હતા. એ પછી ખુદ વડાપ્રધાન ઇન્‍દિરા ગાંધી પુત્રવધુ સોનિયા ગાંધી સાથે આવ્‍યા હતા. એક બાહોશ ગુજરાતી તંત્રી – લેખક પણ ડૉક્‍ટર તરીકેનો વેશપલટો કરીને બ્રીચ કેન્‍ડીમાં પહોંચી અમિતાભ પર ઇન્‍વેસ્‍ટીગેટીવ સ્‍ટોરી પોતાના મેગેઝિનમાં છાપી ચૂક્‍યાં હતાં. અમિતાભની હેલ્‍થ અને તેના ચાહકોની ચિંતાના સમાચાર બ્રિટનના ‘ગાર્ડિયન’ જેવા ઇન્‍ટરનેશનલ અખબારોમાં ચમકી ગયા હતા. બ્રીચ કેન્‍ડીમાં એડમિટ હતા ત્‍યારે આઇસીયુના રૂમ નંબર એકમાં સુતા સુતા અમિતાભે અંગ્રેજીમાં ‘આઉટસાઇડ-ઇનસાઇડ’ નામની કવિતા પણ લખી હતી, જેનો હિન્‍દી અનુવાદ બડે બચ્‍ચનજીએ ‘બાહર-ભીતર’ નામથી કર્યો હતો. એ દિવસોમાં તેજીજી અને બડે બચ્‍ચનજી બ્રીચ કેન્‍ડી હૉસ્‍પિટલમાં જ વધુ રહેતા હતા. અમિતાભની બાજુનો રૂમ તેમના માટે રાખવામાં આવ્‍યો હતો. બડે બચ્‍ચનજી તેમાં રામચરિત માનસનું પઠન કરતાં રહેતાં. તેજીજીએ આ રૂમમાં પ્રાર્થના માટે હનુમાનજીની તસ્‍વીર લટકાવી રાખી હતી.

બિમારી અને હૉસ્‍પિટલ દરમિયાનના અમિતાભના એક પણ ફોટોગ્રાફ ત્‍યારે કે પછી પ્રસિદ્ધ થયા નથી તેની કાળજી રાખવામાં આવી હતી, કારણ કે ઇન્‍ફેકશન અને બીજા તબીબી કારણોસર અમિતાભના માથાના વાળ કાપી નાખવામાં આવ્‍યા હતા. એ પછી સેફટીને કારણે દાઢી પણ કાપવામાં નહોતી આવી. હૉસ્‍પિટલમાંથી રજા લીધા પછી પણ અમિતાભે લગભગ ત્રણ મહિના સુધી આરામ કર્યો હતો અને 7મી જાન્‍યુઆરી, 1983ના દિવસે ચાંદિવલી સ્‍ટૂડિયોમાં ‘કૂલી’ના એ જ દૃશ્‍યથી અમિતાભ બચ્‍ચને ફરી કચકડાની દુનિયામાં પુનરાગમન કર્યું હતું. એ વખતની તસ્‍વીરો તમે ગૂગલ પર સર્ચ કરીને જોઈ શકો છો!  

(સંપૂર્ણ)