પત્તા પત્તા બુટા બુટા હાલ હમારા જાને હૈ!

Blogs

  • નરેશ શાહ દ્વારા

રાજકારણની નિષ્‍ફળતા કરતાં પણ મોટી અને દિલધડક દુર્ઘટના અમિતાભ બચ્‍ચનના જીવનમાં 1982માં બની હતી. ચોળીને ચીકણું કર્યા વગર કહીએ તો એ ‘કૂલી’ ફિલ્‍મના શૂટીંગ દરમિયાન થયેલો અકસ્‍માત હતો. કરીબ કરીબ આખો દેશ ત્‍યારે અમિતાભની ચિંતા અને પ્રાર્થના કરવા માટે પેનિકાવસ્‍થામાં આવી ગયો હતો. 2015માં તોતેંરમા વર્ષનું માઇલસ્‍ટોન ટચ કરનારાં અમિતાભદાદા ત્‍યારે ચાલીસ વરસના હતા. સત્તે પે સત્તા, બેમિસાલ, દેશપ્રેમી, નમકહલાલ, ખુદ્દાર અને શક્‍તિ ફિલ્‍મોનાં એ વરસનો મધ્‍યકાળ. 24 જુલાઈ, 1982ની એ બપોરે, ઊંટીમાં શક્‍તિ ફિલ્‍મનું શૂટીંગ (ફિલ્‍મ એ જ વરસના અંતમાં રિલીઝ થઈ હતી) પુરું કરીને અમિતાભ છેલ્લાં બે સપ્‍તાહથી બેંગ્‍લોરમાં હતા. ‘મહાન’નું શૂટીંગ આટોપાઈ ગયું હતું અને હવે બેંગ્‍લોરની ભારતી યુનિવર્સિટીની લાયબ્રેરીમાં ‘કૂલી’નું શૂટીંગ ચાલતું હતું. કેન્‍સરગ્રસ્‍ત કાકા હિમાંશુ ભાદુરીની તબિયત જોવા લંડન ગયેલાં જ્‍યા બચ્‍ચન કાકાના અવસાન પછી મુંબઈ આવી ગયા હતા. સલમાનખાનની ફિલ્‍મો માટેના ફેવરિટ ત્‍યૌહાર ઈદની રજા હોવાથી જયા અભિષેક અને શ્વેતાને લઈને બેંગ્‍લોર આવ્‍યા હતા. છુટ્ટીઓ પૂરી થતાં બચ્‍ચાંઓને તેમણે મુંબઈ મોકલી આપ્‍યાં. તેને આપણે કુદરતનો સંકેત જ માનીએ કે જયાજી બેંગ્‍લોર રોકાયા હતા અને એ જ વખતે પુનિત ઇસ્‍સાર સાથેનાં ફાઇટ સીનનું બેંગ્‍લોરમાં શૂટીંગ થયું.

 એ દિવસે અને ત્‍યાર બાદ શું બન્‍યું હતું તેની વાતો એ દિવસોમાં ખૂબ ભળતી – સળતી રીતે પ્રગટ થતી હતી પણ જાણીતા લેખક-પત્રકાર અરવિંદ શાહે ખૂબ બધા ઓથેન્‍ટિક સ્રોતમાંથી એ અકસ્‍માતની અને એ દિવસોની વિગત મેળવી છે અને જે તેમના અમિતાભ બચ્‍ચન પરનાં પુસ્‍તકમાં (હવે પછી) પ્રગટ થવાની છે. તેના દિલધડક વર્ણનનો એક અંશ ‘કૂલી’ ના એ ઐતિહાસિક શૂટીંગ ક્ષણોને શબ્‍દશઃ બયાન કરે તેવો છે. વાંચો : મારામારીના દ્રશ્‍યનું રિહર્સલ થયું. ફાઇટ માસ્‍ટરે વન ટૂ વન પંચવાળું દૃશ્‍ય સમજાવ્‍યું. પુનિત (ઇસ્‍સાર)ના જમણા હાથનો મુક્કો અમિતાભના પેટના ડાબા ભાગમાં લાગવાનો હતો. મુક્કો વાગે પછી અમિતાભે વાંકા વળી પલટી ખાઈ જવાની હતી. પાછળ એક ટેબલ હતું. અમિતાભે ટેબલ ઉપર જ પડવાનું હતું અને પછી કેમેરાની દિશા બદલાઈ જવાની હતી.

ફાઈનલ ટેક વખતે વન ટુ વન પંચના દૃશ્‍ય સુધી બધું બરાબર હતું પરંતુ પુનિતનો મુક્કો લાગતાવેંત અમિતાભ ટેબલ સાથે ભટકાઈને ફલોર ઉપર પડી ગયો. મનમોહન દેસાઈએ કટ કહ્યું અને સેટ ઉપર મોજુદ સૌએ જોયું કે અમિતાભ એકદમ પેટ પકડીને વાંકો વળી જઈને ખુરશી પર બેસી ગયો. અવાજમાં પીડા સાથે તેણે મનમોહનને કહ્યું કે મને મુક્કો ખોટી જગ્‍યાએ લાગી ગયો લાગે છે, પીડા થાય છે.

24મી જુલાઈ, 1982ને શનિવારે બપોરે ત્રણ વાગ્‍યાની આ વાત છે.

અમિતાભ દશ મિનિટ સુધી ખુરશી ઉપર માથું ઢાળી બેસી રહ્‌યો. તેણે પેટ ઉપર હાથ દબાવી રાખ્‍યો હતો. મનમોહન દેસાઈને કલ્‍પના પણ નહોતી કે અમિતાભને ગંભીર ચોટ લાગી છે. તેણે ખમીસ ઊંચું કરી અમિતાભના પેટ તરફ જોયું. ત્‍યાં કંઈ વાગ્‍યાનું નિશાન નહોતું. અમિતાભને ખૂબ દરદ અને વેદના થતી હતી. મનમોહને કોફી મંગાવી. કોફી પીને અમિતાભે જરા ચાલવાની કોશિશ કરી. સેટની બહાર આવી અમિતાભ ખુલ્લામાં બેઠો. મનમોહને કહ્યા પછી એક વાર ટોયલેટ જઈ આવ્‍યો. પેશાબ બરાબર થયો પણ હજુ બેચેની ઓછી થતી નહોતી. અર્ધો કલાક પછી અમિતાભ વેસ્‍ટ એન્‍ડ હોટલ ઉપર જતો રહ્‌યો.

પાંચ કલાક વિતી જવા છતાં પીડા ઓછી ન થતાં ડૉક્‍ટરને બોલાવવામાં આવ્‍યા. પેટ દબાવી બરાબર તપાસી ઊંઘની ગોળી આપી ડૉક્‍ટર જતાં રહ્‌યાં. જતા પહેલાં જયા અને મનમોહનને કહેતા ગયા કે ચિંતાનું કોઈ કારણ નથી. ઊંઘ આવી જશે એટલે સવાર સુધીમાં બધું ઠીક થઈ જશે.

અમિતાભને આખી રાત બેચેની રહેતાં જયાએ રવિવારે અજીતાભને ફોન કરી ફેમિલી ડૉક્‍ટર કનુભાઈ શાહને લઈને તરત બેંગ્‍લોર આવવા કહ્યું. માતા તેજી બચ્‍ચન અને પત્‍ની રમોલાને બધી વાત કહી અજીતાભ ડૉક્‍ટર શાહને લઈને બેંગ્‍લોર પહોંચ્‍યો. 18 કલાક વિતી જવા છતાં દરત ઓછું ન થયું એથી ડૉ. શાહને નવાઈ લાગી પણ તેઓ કંઈ નિદાન કરી શકયા નહીં.

રવિવારે જ એકસ રે કઢાવી અમિતાભને બેંગ્‍લોરની સેંટ ફિલોમીના હૉસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યો. ડૉક્‍ટરનો એકસ રેમાં કંઈ દેખાયું નહીં અને ચિંતાનું કોઈ કારણ નથી એ જ ગાણું તેમણે ગાયે રાખ્‍યું. સોમવાર, 25મી જુલાઈએ પણ તકલીફમાં જરાય ફરક ન પડતા ચિંતિત અમિતાભે ખિજવાઈને જયાને કહ્યું કે નક્કી કંઈક ગરબડ છે પણ આ લોકોને સમજાતું નથી!

સચ્‍ચાઈ પણ એ જ હતી કે અમિતાભ બચ્‍ચનને અકસ્‍માત પછી શું થયું અને શું થઈ રહ્‌યું છે તેની શરૂઆતના તબક્કે કોઈને ખબર જ પડી નહોતી. ખબર પડી ત્‍યારે મુંબઈથી ખાસ આવેલા ડૉ. કનુભાઈ શાહ ખુદ આઘાતથી બેભાન થઈ ગયા હતા. બીગ બીને દરઅસલ એવું તે શું થયું હતું કે લગભગ બે મહીના સુધી આખા દેશે ઊંચા જીવે જીવવું પડયું હતું તેની ડિટેઇલ વાંચવા તમે પણ તૈયાર થઈ જાવ એટલે આ બ્રેક.