સુરતમાં કોરોનાના કેસ વધતા મહાનગરપાલિકા દ્વારા 10 સિટી બસોને એમ્બ્યુલન્સમાં ફેરવવામાં આવી

Gujarat
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

અનલોકમાં રાજ્ય સરકારે છૂટછાટ આપ્યા બાદ સુરતમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. કોરોનાના વધતા જતા સંક્રમણને જોતા સુરત મહાનગરપાલિકા કમિશનર દ્વારા લોકોને આગામી 2થી 3 અઠવાડિયા સુધી કામ વગર ઘરની બહાર નહીં નીકળવા માટેની સૂચના આપવામાં આવી છે.  બીજી તરફ હવે સુરતમાં કોરોનાની મહામારી કાબુમાં લેવા માટે આરોગ્ય તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત સુરતના ત્રણ સ્મશાનગૃહને દિવસ-રાત શરૂ રાખવામાં આવ્યા છે. બીજી તરફ કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા વધતા એમ્બ્યુલન્સ જેવા વાહનોની ઘટને જોતા સુરત મહાનગરપાલિકા દ્વારા સિટી બસને એમ્બ્યુલન્સમાં રૂપાંતર કરવામાં આવી છે.

એમ્બ્યુલન્સમાં રૂપાંતરિત કરવામાં આવેલી 10 સિટી બસોનો ઈમરજન્સીના સમયમાં દર્દીને હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે ઉપયોગ કરાશે  સિટી બસની અંદર દર્દીને સુવડાવી શકાય તે માટે સીટો બહાર કાઢી બસમાં બેડની સુવિધા ઊભી કરવામાં આવી છે. એમ્બ્યુલન્સમાં કન્વર્ટ કરવામાં આવેલી સિટી બસોને સુરતના અલગ-અલગ ફાયર સ્ટેશન પર મૂકવામાં આવશે અને સુરત મહાનગરપાલિકાને બસને એમ્બ્યુલન્સમાં કન્વર્ટ કરવા માટેનો આઈડિયા પણ સુરત ફાયર વિભાગ દ્વારા આપવામાં આવ્યો હતો.