શાકભાજીની આવક ઠંડી શરૂ થતાં જ વધી : ઉંધીયું ખાવાની મોસમ આવી

Gujarat
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

સમગ્ર રાજયમાં ભારે વરસાદ પડતાં અનાજ સહિત શાકભાજીના પાકને ભારે નુકશાન પહોંચ્યું છે. જેના કારણે આ સમગ્ર વર્ષ લીલા શાકભાજીના ભાવ સતત ઉંચા રહ્યા હતા. જો કે, શિયાળાની શરૂઆતની સાથે જ બીજા વાવેતરના લીલા શાકભાજીની આવક શરું થતા ભાવમાં નજીવો ઘટાડો થયો છે. જથ્થાબંધ શાકભાજીની આવક માર્કેટયાર્ડમાં વધતા સ્વાદ રસિયાઓમાં ઉત્સાહ જોવા મળ્યો છે. આ સાથે ગૃહિણીઓ પણ મોટા જથ્થામાં શાકભાજીની ખરીદી કરતા જોવા મળી રહી છે.

આ વર્ષે મોટાભાગે શાકભાજીના ભાવો કિલોના રૂ. ૮૦ થી ૧૫૦ સુધી રહ્યા હતા.  દિવાળીના તહેવારોમાં પણ શાકભાજીના ભાવ આસમાને રહ્યા હતા. જેથી લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. જોકે હવે ભાવ ઘટવા લાગ્યા છે. ચાલુ માસના અંત સુધીમાં ભાવોમાં મોટો દ્યટાડો થવાની આશા ગૃહીણીઓને છે.

રીંગણમાં થોડો ઘટાડો થયો છે અગાઉ પ્રતિ કિલો રૂ. ૮૦ના ભાવનાં રીંગણ રૂ. ૬૦ના ભાવે મળવા શરૂ થયા છે. જે ચાલુ માસના અંત સુધીમાં રીંગણનો ભાવ ગગડીને રૂ. ૩૦ સુધી પહોંચવાની આશા છે. આ ઉપરાંત કતારગામની પ્રસિદ્ઘ પાપડીનો ભાવ હજુ’ આસમાને છે. કતારગામની પાપડીનો ભાવ પ્રતિ કિલો રૂ. ૨૪૦ છે જયારે સુરતની આજુબાજુના અન્ય ગામની પા૫ડીના ભાવમાં આજથી ઘટાડો થયો છે. પા૫ડી બજારમાં રૂ. ૧૫૦ થી ૧૬૦માં આજુબાજુ મળતી શરૂ થઇ છે.

રતાળુ-કંદનો ભાવ પ્રતિ કિલો રૂ. ૮૦ હતો જે ઘટીને રૂ. ૫૦ થયો છે. લીલા વટાણા અગાઉ પ્રતિ કિલો રૂ. ૧૬૦ના મળતા હતા જે ઘટીને રૂ. ૧૪૦ના મળવાના શરૂ થયા છે. જે ચાલુ માસના અંત સુધીમાં ઘટીને રૂ. ૭૦ થી ૧૦૦માં મળતા થશે. ઉંધિયામાં વપરાશમાં લેવામાં આવતું સુરતનું લીલું લસણ હજુ મોંઘુછે. ભાવમાં હજુ કોઇ ઘટાડો થયો નથી. લીલા લસણનો ભાવ રૂ. ૧૬૦થી ૧૮૦ આસપાસ છે. લીલા લસણનાં ભાવમાં શિયાળો જેમ જામશે તેમ વધારો થશે. આગામી કેટલાક દિવસમાં લીલા લસણના ભાવમાં વધારો થવાની સંભાવના છે.

સુરતનું જમણ વિશ્વભરમાં પ્રસિદ્ઘ છે. ખાસ એનઆરઆઇ લોકો શિયાળાની ઋતુમાં સુરતના જમણનો આસ્વાદ માણવા માટે શહેરમાં આવતા હોય છે. આ વર્ષે કોરાનાને લીધે અનેક એનઆરઆઇ ગુજરાતીઓએ પ્રવાસના કાર્યક્રમો ટાળ્યા છે. છતાં પણ સુરતીઓનો લીલા ઉંધિયાનો ભરપૂર આસ્વાદ માણવા માટે તૈયારીઓ આરંભી છે. શાકભાજીના ભાવ ઉતરવાની શરૂઆત થતાંની સાથે જ શાકભાજીનું વેચાણ વધશે.