ચીનને બીજો મોટો આંચકો: હવે રંગ ટીવી સેટની આયાત પર પ્રતિબંધ

international
  •  (હમલોગ.ન્યૂઝ દ્વારા)

ભારત આર્થિક મોરચે ચીનને સતત ફટકા આપી રહ્યું છે. હવે ભારત સરકારે રંગીન ટેલિવિઝન સેટની આયાત પર પ્રતિબંધ મૂકયો છે. ચીનથી મોટા પાયે રંગ ટેલિવિઝન આયાત કરવામાં આવતું હતું. પરંતુ હવે સરકારે તાત્કાલિક અસરથી તેના પર પ્રતિબંધ લગાવી દીધો છે. સરકારનું કહેવું છે કે ઘરેલું ઉત્પાદનને પ્રોત્સાહન મળે તે હેતુથી આ પગલું લેવામાં આવ્યું છે. આયાત પરનો પ્રતિબંધ મેક ઇન ઇન્ડિયાને મજબૂત બનાવશે. પરંતુ ભારતના આ નિર્ણયથી ચીનને મોટું નુકસાન પહોંચાડવાનું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ડિરેકટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (ડીજીએફટી) એ એક સૂચનામાં કહ્યું હતું કે રંગ ટેલિવિઝનની આયાત નીતિ બદલી છે, હવે તેને પ્રતિબંધિત કેટેગરીમાં મૂકવામાં આવી છે. સરકારનું કહેવું છે કે ચીન જેવા દેશોમાંથી બિનજરૂરી ચીજોની આયાત ઓછી કરવી પડશે. કોઈપણ ઉત્પાદનને પ્રતિબંધિત કેટેગરીમાં મૂકયા પછી હવે તે માલની આયાત કરનારા ઉદ્યોગપતિએ વાણિજય મંત્રાલય હેઠળ ડીજીએફટી પાસેથી આયાત માટે લાઇસન્સ મેળવવું પડશે.

ચીન ભારતમાં કલર ટીવીનો સૌથી મોટો નિકાસકાર દેશ છે. તે પછી વિયેટનામ, મલેશિયા, હોંગકોંગ, કોરિયા, ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ અને જર્મની જેવા દેશો આવે છે. નોંધપાત્ર વાત એ છે કે સરહદ પર ચીની સૈન્યની વિરોધી કાર્યવાહી બાદ દેશમાં ચીન સામે વાતાવરણ ઉભું થયું છે. ગયા મહિને ૫૯ એપ બંધ કર્યા બાદ આ મહિને બીજી ૪૭ બેન કરી છે, સાથે સાથે ૨૭૫ જેટલી ચાઇનીઝ એપનો સર્વે ચાલી રહ્યો છે. આટલું જ નહીં, ભારતમાં ચીની કંપનીઓ દ્વારા પ્રાપ્ત થયેલા ઘણા ટેન્ડર રદ કરવામાં આવ્યા હતા.