અમારી સુહાગરાત્રે સમાગમ વખતે પત્નીને સહેજ પણ લોહી નીકળ્યું નહોતું, તો મને શંકા છે કે, લગ્ન પહેલાં એને કોઈક સાથે સંબંધ હશે?

Blogs

ડૉ. મુકુલ ચોકસીની કલમે દર શનિવારે વાંચો : સેક્સ અંગેના અઘરા સવાલોનાં તદ્દન સહેલા જવાબ!

ડૉ. મુકુલ ચોકસી

 

અમારી સુહાગરાત્રે સમાગમ વખતે પત્નીને સહેજ પણ લોહી નીકળ્યું નહોતું, તો મને શંકા છે કે, લગ્ન પહેલાં એને કોઈક સાથે સંબંધ હશે? શું દરેક કુંવારી સ્ત્રીને તેનાં જીવનનાં પ્રથમ મિલનમાં લોહી નીકળવું જરૂરી છે ?

યોનિમાર્ગનું મુખ એક પાતળા પટલ નામે ‘હાઇમેન’થી આચ્છાદિત થયેલું હોય છે. શરીરને માટે અન્ય કોઈ રીતે ઉપયોગી નથી એવા આ યોનિપટલ દરેક સ્ત્રીનાં યોનિમુખ ઉપર એકસરખી રીતે ફેલાયેલો જોવા નથી મળતો. તેનાં આકાર, કદ, લંબાઈ, પહોળાઈ વગેરે વ્યક્તિએ વ્યક્તિએ બદલાય છે. ક્રીબ્રીફોર્મ, એન્યુલર વગેરે જુદા જુદા પ્રકારનાં યોનિપટલો સંભવી શકે છે. કેટલાક સમાજોમાં આ યોનિપટલ અક્ષત, વણભેદાયેલો હોવાનું જરૂરી મનાય છે. અને લગ્ન સમયે જો સ્ત્રીનો યોનિપટલ ભેદાયેલો જણાય તો તેને પોતાને ઘરે પાછી વાળવામાં આવે છે. અથવા તો સજા કે હાંસીને પાત્ર બનાવવામાં આવે છે. અમુક પછાત જાતિઓમાં આવી સ્ત્રીઓને દંડરૂપે રીતસર મોતને ઘાટ ઊતારી દેવાની હોવાનું પણ નોંધાયું છે. આધુનિક જપાન તથા ઇટાલી જેવા દેશોમાં આજે પણ ઘણા પ્લાસ્ટિક સર્જન યોનિપટલ (હાઇમેન)ની રીકન્કસ્ટ્રક્ટિવ સર્જરી કરીને તેને ફરીથી અક્ષત કરવામાં વ્યસ્ત રહે છે, જેથી જે તે વિવાહિત સ્ત્રીઓનાં પતિદેવો લગ્નની રાત્રે પોતાની પત્નીનું કૌમાર્ય ખંડિત થયું હોવાનું જાણી ન શકે.

પરંતુ આ કરુણ વાસ્તવિકતા પાછળ રહેલી હકીકત એ છે કે, ડોક્ટરો કેવળ સ્ત્રીને તપાસીને તે કુંવારી છે કે કેમ તે પૂરતી ચોકસાઇપૂર્વક કહી શકતા નથી. યોનિપટલ અક્ષત હોય કે ભેદાયેલો હોય… એ સ્ત્રીનાં જાતીય વર્તન વિષે યોગ્ય પ્રકાશ નથી પાડી શકતો. કમનસીબે કેટલીક છોકરીઓ અધૂરા યોનિપટલ સાથે યા ક્યારેક યોનિપટલ વિના જ જન્મે છે. વળી નાની ઉંમરે કસરતો, ઊછળકૂદ, ભારે શારીરિક વ્યાયામ કે એવી હરકતોથી પણ યોનિપટલ ભેદાઈ જઈ યા તૂટી જઈ શકે છે. યોનિમાર્ગમાં અંગુલિ યા અન્ય પદાર્થોની અવરજવરથી પણ પટલ ખેંચાઈ જઈ શકે છે. યોનિમાર્ગમાં મોટા ટેમ્પુન્સ મૂકવાથી ય આવું થઈ શકે છે.

આથી ઊલટું, સમાગમ થયો હોય તેવી સ્ત્રીને યોનિપટલ ભેદાયો જ હોય તેવું ય જરૂરી નથી. ક્યારેક પટલ સહેજ ખેંચાઈને જ રહી જાય છે.

આમ બેઉ રીતે જોતાં અક્ષત કે ભેદાયેલો યોનિપટલ ઉપરથી ‘અક્ષત’ ‘કૌમાર્ય’ કે ‘ખંડિત કૌમાર્ય’ પૂરવાર કરવા ભલભલું કરવામાં આવે છે. આને લીધે અનેક સ્ત્રીઓ અકારણ સહન કરે છે. અને અનેક લગ્નો વિચ્છેદમાં પરિણમે છે. જેમાં યોનિપટલનું પરીક્ષણ ન થતું હોય અને પરસ્પરની વિશ્વસનીયતા ઉપર લગ્નજીવનનું મંડાણ થયેલું હોય એવી મનોદશાવાળા સમાજની રચના થવી જરૂરી છે.

જેવું યોનિપટલનું છે તેવું જ સુહાગરાત્રે બ્લીડીંગ થવા / ન થવા અંગે તથા પીડા થવા / ન થવા અંગેનું છે. અમુક અજ્ઞાની પુરુષો ‘સ્ત્રીને પ્રથમ સમાગમે દર્દ કે રક્તસ્ત્રાવ થવા જ જોઇએ’ – એવી પોતાની ખોટી માન્યતાઓને આધારે નીચી પાડે છે. અને તેણીએ ન કરેલી ભૂલોની સજા તેને ફરમાવે છે. પોતાની પત્નીનાં યોનિપટલ પરીક્ષણ પરથી જ તેના ચારિત્ર્ય અંગે શંકા કરતા પુરુષોએ સમજવું જોઇએ કે, યોનિમાર્ગ દ્વારા સમાગમ કર્યા વિના ય સ્ત્રી ચરમસીમાએ પહોંચી શકતી હોય છે. અને સામે છેડે નાની ઉંમરે ક્યારેક અંગુલી દ્વારા કેવળ હસ્તમૈથુન જેવી નિર્દોષ પ્રક્રિયા કરનાર પણ અકારણ ગુનેગાર માનીને દંડાઈ જતી હોય છે.