મારે એ જાણવું છે, કે કોઈપણ પુરુષ માટે સમગ્ર શરીર પર રુવાંટી હોવી એ પુરુષત્વની નિશાની ગણાય છે, તો જે પુરુષના શરીર પર નહીંવત્ રુવાંટી હોય તેને પુરુષત્વની ખામી છે એવું કહી શકાય કે કેમ?

Blogs

ડૉ. મુકુલ ચોકસી

મારે એ જાણવું છે, કે કોઈપણ પુરુષ માટે સમગ્ર શરીર પર રુવાંટી હોવી એ પુરુષત્વની નિશાની ગણાય છે, તો જે પુરુષના શરીર પર નહીંવત્ રુવાંટી હોય તેને પુરુષત્વની ખામી છે એવું કહી શકાય કે કેમ?

જી ના, ક્યારેક બંધારણીય રીતે અમુક પૂર્ણ પુરુષાતન ધરાવતા પુરુષોના શરીર પર પણ ઓછી રુવાંટી હોવાનું ય શક્ય છે. તે જ રીતે સામાન્ય પૌરુષ ધરાવતા પુરુષો અત્યંત વધારે પડતા વાળ ધરાવતા હોવાનું ય શક્ય છે. એ સાચું છે. પૌરુષપ્રદ હોર્મોન્સ (ટિસ્ટોસ્ટેરોન)ની અસરમાં પુરુષના શરીર પરની રુવાંટી ઘાટ ઘડાય છે. અને પૌરુષીય ઇચ્છાઓ પણ એની અસરમાં જ જન્મે છે. તો ય જેટલી વધારે રુવાંટી તેટલો વધારે પૌરુષપ્રદ યુવક એવું સમીકરણ માંડવું જોખમી છે. હા – રુવાંટીના અભાવના કારણે, જેની ત્વચાનું પોત સ્ત્રી જેવું હોય, તેનો અવાજ, પેઢુ તથા છાતીનો પ્રદેશ પણ સ્ત્રી જેવા જણાય તે પુરુષની જાતીય ચકાસણી થવી જોઈએ. બાકી રુવાંટીમાં થોડીઘણી વધઘટ હોવી એ કુદરતી તથા બંધારણીય હોય છે.

મારા વિવાહ થયાને એક વર્ષ થયું. મારા ફિયાન્સ તથા મારી વચ્ચે અત્યંત પ્રેમ છે. પણ છેલ્લા થોડા વખતથી તે સેક્સ કરવાની માગણી કરે છે. હું રૂઢિચૂસ્ત કુટુંબમાંથી આવતી હોવાથી આવું કરવા માગતી નથી, પણ એ મારી ‘ના’થી અકળાઈ જઈને મારા પર શંકા કરે છે. મારે શું કરવું?

કોઈએ સેક્સ માણવો કે નહીં તે વ્યક્તિગત પસંદગીનો પ્રશ્ન છે. તમે પોતે જો એમ કરવા નહીં ઇચ્છો તો કોઈ દાબદબાણ ન કરી શકે. તમારા ફિયાન્સને સમજાવી શકાય કે તમે ના પાડો છો તેમાં કોઈ અણગમો, બેવફાઈ, પ્રેમનો અભાવ કે રોષ નથી. બલકે એક સાહજિક ટેવ, એક સંસ્કાર છે. ાથી તેમણે ગુસ્સો કે શંકા કરવાની જરૂર નથી. એ જ રીતે તમારે પણ સમજવું જોઇએ કે, લગ્ન પહેલા જાતીય છૂટછાટો લેવાનું વલણ કેટલાકને મન ખૂબ જ સાહજિક હોય છે. તેમને હતાશ કરવાથી રોષ પ્રગટે તો ધીરજથી કામ લો. જાતીય સમાગમને બદલે ચુંબન, આલિંગન, સ્પર્શ જેવી શારીરિક નિકટતા આણતી કરામતો અજમાવી જુઓ. તમારા ફિયાન્સને એવી અનુભૂતિ કરાવો કે, જેથી તે જાતીય સમાગમની અવેજીમાં હૂંફ માણી શકે અને પોતાના કામાવેગોના તણાવથી મુક્ત થઈ શકે. ઘણા અપરિણીત (પણ વિવાહિત) યુવકો સમાગમ સિવાયની રીતો દ્વારા ચરમસીમા હાંસલ કરીને વૈકલ્પિક સુખની વ્યવસ્થા કરી લેતાં હોય છે.