હું સેક્સ વધારવા માટે હોર્મોન્સ લેવામાં માનું છું. હોર્મોન્સ શું હોય છે તે જણાવવા વિનંતિ

Blogs

ડૉ. મુકુલ ચોકસી

હું સેક્સ વધારવા માટે હોર્મોન્સ લેવામાં માનું છું. હોર્મોન્સ શું હોય છે તે જણાવવા વિનંતિ?

ઈસવીસન 1900માં યુજિન સ્ટેઇને પ્રતિપાદિત કર્યું કે યુવાનીના પ્રાકૃતિક પ્રગટીકરણ માટે હોર્મોન્સ જવાબદાર છે.

ઈ.સ. 1935માં ડચ કેમિસ્ટે આખલા-ઓમાંથી એકત્રિત કરેલ એક હજાર કિલોગ્રામ વૃષણોમાંથી કેવળ અડધા ગ્રામથી ય ઓછા હોર્મોન્સ જુદા પાડી બતાવ્યા. તો એડોલ્ફડ નામના જર્મન વૈજ્ઞાનિક પચીસ હજાર લિટર જેટલા પુરુષના પેશાબમાંથી કેટલાક હોર્મોનના સ્ફટિકો તારવી બતાવ્યા. ડો. રસેલ માર્કર નામના અમેરિકન કેમિસ્ટે ત્યારબાદ ‘લબેઝા’ કે ‘નિગ્રો’ નામના મેકિસકોમાં થતાં છોડમાંથી કૃત્રિમ હોર્મોન્સ બનાવવાની રીત શોધી.

‘ટેસ્ટોસ્ટેરોન’ નામના પુરુષ હોર્મોન્સ વિષે એવું મનાય છે કે, તે નપુંસકતાને સારી કરે છે તથા જાતીય શક્તિ વધારે છે. હકીકતમાં જનનેન્દ્રિયના ઉત્થાનને હોર્મોન સાથે ઝાઝી લેવાદેવા નથી. હોર્મોન કુદરતી રીતે આવતી તરુણાવસ્થામાં જરૂર ભાગ ભજવે છે. પણ કહેવાતી ‘જાતીય નબળાઈઓ’માં તે ખાસ કંઈ મદદ કરતાં નથી. ઊલટું, બહારથી લીધેલા હોર્મોન્સ વીર્ય બનાવવાની પ્રક્રિયામાં નડતરરૂપ થઈ શકે છે. વળી સસેપ્ટીબલ વ્યક્તિમાં પ્રેસ્ટેટનું કેન્સર કે લીવરનો બગાડો પણ કરી શકે છે.

મોટે ભાગના નપુંસક વ્યક્તિઓના લોહીમાં હોર્મોનનું પ્રમાણ યોગ્ય જ હોય છે. આથી બહારથી અપાતા હોર્મોન બિનજરૂરી અથવા નુકસાનકારક બને છે. હોર્મોન્સ વૃષણનો અભાવ હોય એવી અપવાદરૂપ સ્થિતિમાં જ જાતીય ઇચ્છા તેમજ સ્ખલન (ઉત્થાન નહીં)નું પુનઃસ્થાપન કરે છે. આમ હોર્મોન્સનો આજકાલ થતો બેફામ ઉપયોગ જોખમી તેમજ બિનજરૂરી છે. તમે પણ નિષ્ણાત ડોક્ટરની સલાહ વગર આવો કોઈ પ્રયોગ કરવાનું જોખમ લેશો નહીં.