નપુંસકતા વિશે થોડુંક

Blogs

ડૉ. મુકુલ ચોકસી

સમાગમ સમયે જ ઇન્દ્રિય મંદ પડી જાય છે. ઉત્થાન અપૂરતું છે તો શું કરવું?

ભાગ-1

નપુંસકતાની નિષ્ણાત તબીબ પાસે યોગ્ય સારવાર કરાવવી જોઈએ. તેમ છતાં નિમ્નસૂચિત સૂચનાનો અમલ કરવાથી ઘણીવાર આ સમસ્યા હળવી થઈ જતી જોવા મળે છે. તબીબી અભિપ્રાય મેળવતા પહેલાના સમયમાં નપુંસકતા માટે યુગલે આટલું અવશ્ય કરી લેવું જોઇએ.

  1. નપુંસકતાની ફરિયાદ કરનાર પુરુષને ડાયાબિટીસ, બ્લડપ્રેશર કે ડિપ્રેશન જેવી બીમારી તો નથી ને? તેની યોગ્ય તપાસ તથા તત્કાળ સારવાર શરૂ કરી દેવી જોઇએ.
  2. દારૂ, ચરસ, અફીણ કે બ્રાઉન શ્યુગર જેવાં કોઈ વ્યસન હોય તો છોડી દેવાં જોઈએ. લાંબા ગાળાથી વધુ પડતું ધૂમ્રપાન કરતાં હોવ તો તેનો ત્યાગ કરી દેવો જોઇએ.
  3. યાદ રાખો! નપુંસકતા મોટેભાગે માનસિક તથા મનોવૈજ્ઞાનિક કારણોસર થતી હોય છે. અગાઉના જમાનામાં તો એવું જ મનાતું કે, સો માંથી નવ્વાણું ટકા કિસ્સામાં નપુંસકતા સાઇકોલોજીકલ કારણોસર ઉદભવે છે. પરંતુ જેમ જેમ વિજ્ઞાન વિકસતું ગયું અને શિશ્નની રક્તવાહિનીઓ તથા તેના જ્ઞાનતંતુઓની તપાસ સરળ બનતી ગઈ તેમ તેમ જાણવા મળ્યું કે, અમુક કિસ્સાઓમાં શારીરિક પરિબળો ય જવાબદાર હોય છે. તેમ છતાં આજની તારીખે ય, સરવાળે એંશી ટકા જેટલા નપુંસકતાના કિસ્સાઓ માનસિક કારણોસર ઉદભવતા જોવા મળે છે.
  4. એનો અર્થ એ થયો કે મનની સ્વસ્થતા, જ્ઞાન તથા સમજ નપુંસકતાને દૂર કરવા માટે જરૂરી બની રહે છે.
  5. ઘણીવાર નપુંસકતાનાં કારણો ખૂબ સીધાસાદા અને સ્પષ્ટ હોય છે. પૂરતું એકાંત ન મળવાને કારણે પતિ-પત્ની એકમેકની નજીક ન આવી શકે એ બાબત સામાન્ય છે. ઘરમાં વૃધ્ધ વડીલો હોય, બાળકો સાથે હોય, બે રૂમ વચ્ચે બારણાં ન હોય અથવા માત્ર પડદો કે ચાદર જ હોય એવા વાતાવરણમાં પતિ-પત્નીએ ખૂબ જ સંયમ જાળવવો પડતો હોય છે.

આવા સંજોગોને લીધે સંવનન કે પ્રણ્ય ચેષ્ટાઓ પૂરતા પ્રમાણમાં, મોકળાશથી માણી શકતા નથી. જેના અભાવે શિશ્નોત્થાન અપૂર્ણ રહી જવા પામે છે. આવા કિસ્સાઓમાં લાંબી સારવાર કે દવાઓ કરવાને બદલે ખાલી વાતાવરણ બદલવાની અને સમજ કેળવવાની જ જરૂર હોય છે.

  1. કયારેક તો વાત આનાથી ય સરળ હોય છે. વ્યક્તિને નપુંસકતા હોતી જ નથી. માત્ર પોતે ‘નપુંસકત’ છે, એ ખોટી માન્યતા હોય છે. તો કેટલાકને ‘પોતે નપુંસક હશે યા થઈ જશે’ એવો અકારણ ભય હોય છે. આવો ભય શિશ્નોત્થાન અંગેની ખોટી માન્યતાને કારણે ઉત્પન્ન થતો હોય છે. બને એવું કે, ઘણા પુરુષોને તેમની તરુણાવસ્થામાં, એટલે કે પંદરથી વીસ વર્ષની ઉંમરે ખૂબ જ તીવ્ર શિશ્નોત્થાન થતું હોય છે. કેમ કે પુરુષની જાતીયતાનો આ ઉચ્ચતમ, શ્રેષ્ઠતમ કાળ હોય છે. હવે બને છે એવું કે પચ્ચીસ સત્તાવીસની ઉંમરે તે લગ્ન કરવા તૈયાર થાય છે, પરંતુ ત્યારે તેમની જાતીયતા અગાઉની જેમ માત્ર કાલ્પનિક ન રહેતા વાસ્તવિક બને છે. વળી, તેમાં સામાજિક પરિબળો ઉમેરાય છે. અને પેલા મુગ્ધ તારુણ્યનો શિખરકાળ પૂર્ણ થવા આવે છે. આથી તેમને એમ લાગે છે કે, તેઓને હવે શિશ્નોત્થાન પૂર્ણ માત્રામાં નથી થતું અને આ લક્ષણને નપુંસકતા માની યુવાનો મનમાં ને મનમાં રિબાયા કરે છે. વાસ્તવમાં આ નપુંસકતા નથી. શિશ્નોત્થાન સમગ્ર આયુષ્ય દરમિયાન સમયે સમયે, સંજોગે સંજોગે બદલાઈ શકે એવી વસ્તુ છે. એ કોઈ નિયત જથ્થો નથી, કે કાળક્રમે ઘટી જાય.