નપુંસકતા વિશે થોડુંક

Blogs

ડૉ. મુકુલ ચોકસી

સમાગમ સમયે જ ઇન્દ્રિય મંદ પડી જાય છે. ઉત્થાન અપૂરતું છે તો શું કરવું?

ભાગ-2

7.  વળી એથી ય મહત્ત્વની વાત એ છે કે, પુરુષના પોતાના જાતીય આનંદ માટે શિશ્નોત્થાન સહેજે જરૂરી નથી. ખરેખરી નપુંસક વ્યક્તિને પણ કામેચ્છાઓ થઈ શકે છે, વીર્ય સ્ખલન થઈ શકે છે અને ચરમસીમાનું સુખ મળી શકે છે. સમાગમ માટે કેટલું ઉત્થાન જરૂરી છે એવું કોઈ પાઠ્યપુસ્તકમાં શીખવવામાં નથી આવતું. લોકો માની લે છે કે, પૂર્ણ ઉત્થાન એટલે ઇન્દ્રિય સુષપ્તાવસ્થામાં હોય તેના કરતાં 180 અંશે ઉત્થાનિત થાય! પણ વાસ્તવમાં યોનિ પ્રવેશ માટે આનાથી ખાસ્સું ઓછું ઉત્થાન હોય તો ય પર્યાપ્ત છે. વળી વધારે મહત્ત્વની બાબત સખતાઈ છે. પણ તેના ય કોઈ માપદંડો આપણે શીખ્યા નથી. અનેક અપરિણીતો કેવળ ધારણાથી ચલાવી લે છે અને એમાંને એમાં મુશ્કેલી નોતરી બેસે છે. તેઓ પોતે કલ્પેલી હોય એટલી સખતાઈ કે જાડાઈ નથી હાંસલ કરી શકતા અને પછી વ્યગ્ર, વ્યથિત, હતાશ રહ્યા કરે છે. અત્રે એ વાત નોંધાવી જોઈએ કે, અધૂરું ઉત્થાન કે અપૂરતી સખતાઈ ધરાવતા કેટલાક પુરુષો કેવળ આસન તથા ટેક્નિકમાં ફેરફાર કરીને ય સમાગમને સંતોષપૂર્ણ બનાવી શકે છે.

8.  બીજી મહત્ત્વની વાત ક્ષણિક, ઓચિંતી આવતી નપુંસકતાની છે. સમાગમ પૂર્વ નિરોધ પહેરવા જતાં વાર લાગે કે મચ્છર કરડવાથી ધ્યાન બીજે વળી જાય, કે પત્ની ઘરેલુ બાબતોની અથવા અનીચ્છનીય બાબતોની અચાનક ચર્ચા શરૂ કરી મૂડ બગાડી નાખે, કે વધુ પડતું ડ્રીંક્સ લઈને સમાગમની કોશિશ કરવા જઇએ કે અચાનક આગલી ક્ષણે ફોનની ઘંટડી કે ડોરબેલ વાગી ઊઠે, કે મનમાં કોઈ ભળતો જ વિચાર ઝબકી ઊઠે, કે આસન માટે યોગ્ય સ્થિતિ લેતાં વાર લાગી જાય તો ય ઉત્થાન મંદ પડી જઈ શકે. ટૂંકમાં ધ્યાન બીજે દોરી શિશ્નને મંદ પાડી શકે જેને નપુંસકતા તરીકે ઓળખાવી શકાય. જાતીય આનંદ કોઈ કારણે ક્ષણિક મળતો ઓછો થાય તો ઇન્દ્રિય શિથિલ થઈ શકે જે શરીરની સાહજિક પ્રતિક્રિયા છે.

9.  નપુંસકતા દૂર કરવા માગતા તમામ પ્રશ્નકર્તાઓને પહેલું સૂચન એ છે કે, નપુંસકતા દૂર કરવા માટે જેટલી ઇચ્છા કે કોશિશ કરવામાં આવશે તેટલી નપુંસકતા વધતી જશે. શિશ્નોત્થાનનું હૃદયના ધબકારા કે ઊંઘ જેવું છે. ઊંઘ લાવવા માટે મનને જેટલું દબાણ વધારાય અને જેટલા આકરા પ્રયત્ન થાય તેટલી ઊંઘ દૂર ભાગશે. ધબકારા વધારવા હૃદયને હુકમ ન કરાય. પણ યોગ્ય વાતાવરણ સરજીએ તો અચૂક, એની મેળે હૃદયની ગતિ વધી શકે તે જ રીતે શિશ્નોત્થાન માટેનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે તે લાવવા માટેની તમામ ગભરાટપૂર્ણ, અઘરી કોશિશો પડતી મૂકીને એ માટેનું યોગ્ય વાતાવરણ તૈયાર કરવું.

10.  આ સૂચનને આધારે નપુંસકતાની સારવાર થાય છે. સેન્સેટફોક્સ એક્સરસાઇઝ તરીકે ઓળખાતી આ સારવાર પધ્ધિતમાં પતિ-પત્નીને એકમેકની નજીક આવવાનું, સ્પર્શ કરવાનું, સાંનિધ્ય માણવાનું શીખવવામાં આવે છે. સમાગમ કરવાની ચિંતા છોડી જો યુગલ પરસ્પરમાં રત રહે અને ઉત્થાનને ભૂલી જઈ કેવળ કામાનંદ અર્થે પ્રણયક્રીડા માણે તો પુરુષના પુઃસ્ત્વ પ્રાપ્તિના દ્વાર ધીમે ધીમે ફરી ઊઘડવા માંડે છે.

11. કદાચ નપુંસકતાની સારવાર આડેના સૌથી મોટા બે અવરોધો પતિ-પત્ની પોતે જ હોય છે. પતિ અતિ ચિંતા કરી કરીને નપુંસકતાને વધારી મૂકે છે. જ્યારે પત્ની તમને આ શું થઈ ગયું ? તમારા શરીરની હાલત આવી કેવી થઈ ગઈ ? જેવાં પ્રશ્નો પૂછીને પતિની ચિંતા વધારી દે છે.