નપુંસકતા વિશે થોડુંક…

Blogs

ડૉ. મુકુલ ચોકસી

મારા પેશાબનો અવયવ અત્યંત મોટો છે. ક્યારેક લાગે છે કે, તે પૂરતો ઉત્થાન પણ નથી પામતો. તો શું મને લગ્ન બાદ કોઈ તકલીફ તો નહીં પડે ને તે જણાવશો ?

આપના જનન અવયવોના પરીક્ષણ વગર ઉત્તર આપવો યોગ્ય નથી. તેમ છતાં કેટલીક સામાન્ય માહિતી આપવી જરૂરી સમજું છું. પહેલું તો એ કે, અપવાદ રૂપે કેટલાક છોકરાઓના શિશ્ન અત્યંત મોટા કદના જોવા મળ્યા છે. જ્યારે અનુત્થાનિત, સામાન્ય, લૂઝ અવસ્થામાં હોય ત્યારે ય તે મોટાં જણાય છે અને ઉત્થાનિત અવસ્થામાં ય મોટાં લાગે છે. આવા મોટા કદના શિશ્ન ધરાવનાર યુવાનોને બે પ્રકારની ચિંતા સતાવતી હોય છે. પહેલી એ કે તેમના જનનાંગો તેમના વિશાળ કદને કારણે યોનિમાર્ગમાં પ્રવેશી શકશે કે નહિ? જો યોનિમાર્ગ તેમના કદ સામે સાંકડો પડે તો પત્નીને ઇજા કે પીડા ન થાય? આ ચિંતા બહુ વજુદવાળી જણાતી નથી. કેમ કે, મૂલતઃ સ્ત્રીનો યોનિમાર્ગ આંશિક રીતે પ્રસરણક્ષમ અને સ્થિતિસ્થાપક હોય છે. જેને લીધે તેનું વાસ્તવિક (એકચ્યુઅલ) કદ નહિ, બલકે શક્ય (પોટેન્શિયલ) કદ મહત્ત્વનું હોય છે. યોનિમાર્ગની પોટેન્શિયલ સાઇઝ વધારે હોય છે. જેને લીધે એ માર્ગમાંથી જ નોર્મલ ડિલિવરી થાય છે અને પુરુષના શિશ્ન કરતાં ઘણા મોટા કદનું નવજાત શિશુ એ માર્ગથી પસાર થઈને પ્રસૂતિ વખતે બહાર આવે છે. આથી કેવળ મોટા કદનું શિશ્ન યોનિમાર્ગમાં દાખલ ન થઈ શકવાને લીધે સમાગમ ન કરી શકતા હોય એવા દર્દીઓ જોવા નથી મળતાં. મોટા કદનું લિંગ ધરાવનાર યુવકોને બીજી ચિંતા લિંગના ઉત્થાન અંગેની હોય છે.

વિશાળ કદને કારણે શિશ્ન પોતે પોતાનો ભાર ઊંચકી ન શકતું હોવાને લીધે અપૂરતું ઉત્થાનિત યા નમેલું રહેતું હોય એમ લાગે છે.

આવા યુવકોમાંના ઘણા ખરા લગ્ન બાદ વ્યવસ્થિત સમાગમ કરી શકતાં હોવાનું જણાયું છે. કેમ કે તેઓના શિશ્નની સખતાઈ, યા કડકાઈ (રીજીડીટી) બરાબર હોય છે. યોનિ પ્રવેશ માટે આ સખતાઈ યા રીજીડીટી, ઉત્થાન કરતાં વધારે મહત્ત્વની મનાય છે. તેઓએ પોતાની સમાગમની શૈલીમાં કદાચ થોડા ઘણા ફેરફારો કરવા પડ્યા હોય. આપને પણ આમાંના કેટલાક ફેરફારો જો જરૂરી જણાય તો કરવાનું સૂચન કરું છું.

  • એવું આસન પસંદ કરો જેમાં ઉત્થાનમાં આછીપાતળી ઓછપ હોય તો ચાલી જાય. (2) જરૂર પડે તો યોનિપ્રવેશની આગલી ક્ષણે શિશ્નને હાથ વડે જરા ટેકો કે સપોર્ટ આપો જેથી પ્રવેશ સરળ બની જાય. (3) શક્ય હોય તો આ ટેકો આપવાનું કામ આપની પત્નીને કરવા દો. જેથી એ ક્રિયા કંટાળાજનક કે યાંત્રિક (મિકેનીકલ) ન બની રહે. અને આપની પ્રણયક્રીડાનો જ એક ભાગ બની રહે. (4) આ સમગ્ર આયામ અંગે બિનજરૂરી ચિંતાઓ ન કર્યા કરો. કેમ કે ઉત્થાનમાં ઘટાડો આણવામાં ચિંતા વધારે મહત્ત્વનો ભાગ ભજવે છે. કદાચ શિશ્નનું કદ આપને જીવનભર નડતર ન ઊભું કરે પણ વધુ પડતી ચિંતા આપને માટે અનેક અવરોધો ઊભા કરશે.

સાચું પૂછો તો ખરેખર જેને વિશાળકાય કહી શકાય એવું લિંગ તો ભાગ્યે જ હોય છે. મેં જોયેલા કિસ્સાઓમાં બેએક યુવકોને તો કેવળ એવી ખોટી ચિંતા જ સતાવતી હતી કે, તેમના શિશ્નનાં કદ મોટાં છે. તેમની એ માન્યતા બિનઆધારભૂત હતી. અને કેવળ ધારણાંઓ પર આધારિત હતી. અલબત્ત, પોતાનું શિશ્ન અત્યંત નાનું છે, એવી ગેરમાન્યતાઓ ધરાવનારાઓની સંખ્યામાં તો આવા યુવકો અત્યંત જૂજ હશે.

આપ એ પણ નોંધી રાખશો કે, જો શિશ્ન ખરેખર જ અત્યંત વિશાળકાય હોય અને યૌન વ્યવહારમાં તેનું કદ નડતરરૂપ હોય તો શસ્ત્રક્રિયા પણ મદદરૂપ થઈ શકે છે. પણ જેની જરૂર અપવાદરૂપે જ સંભવે છે. વિશાળ કદ શિશ્નની તકલીફવાળા યુવકોની તબીબી તપાસ એટલા માટે જરૂરી છે કે ક્યારેક પેરાફાઇમોસિસ યા લીમ્ફઇડીમા જેવી અવસ્થામાં અન્ય શારીરિક રોગોને કારણે શિશ્ન મોટું દેખાય છે. જેમાં ઉપરોક્ત બીમારીઓના ઇલાજથી સ્થિતિ સાધારણ થઈ શકે છે.