હોટલ-રેસ્ટોરન્ટને ૩ મહિનામાં ૧૫૦૦૦ કરોડનું નુકશાન

India
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

કોરોના વાયરસ મહામારીને પગલે લાદેલ લોકડાઉનને પગલે દેશની આર્થિક સ્થિતિ ખરાબ થતી જાય છે ત્યારે હવે એવા વેપાર-વ્યવસાયની હાલત કફોડી છે જેના માટે ધંધા-રોજગાર સાવ પડી ભાંગ્યા છે. આમાં ખાસ તો હોટલ-રેસ્ટોરન્ટના ધંધા હાલની સ્થિતિમાં ખરાબ હાલતમાં છે. આ ક્ષેત્રનો દેશના આર્થિક વિકાસમાં સિંહફાળો હોવા છતાંય આ લોકડાઉનના ૩ મહિનામાં આ સેકટરમાં ૧૫૦૦૦ કરોડનું નુકશાન માત્ર ગુજરાતમાં જ થયું છે.

આ સેકટરની ગાડી ફરી પાટે ચડતા હજુ સરેરાશ ૨-૩ માસ જેટલો સમય નિકળી જશે એટલું જ નહિં રાબેતા મુજબ થતા તો દોઢેક વર્ષનો સમય લાગી જશે તે નક્કી છે. દેશમાં આ સેકટર દ્વારા સરેરાશ ૪.૫ કરોડ લોકોને રોજગારી પૂરી પાડી રહ્યો છે જેમાંથી ૫૦ ટકા બેરોજગારી વધશે. સરકાર હોટલ-રેસ્ટોરન્ટને રાત્રીના ૧૧ વાગ્યા સુધી મંજૂરી આપે તો જ સર્વાઇવ થઇ શકે તેમ છે. ૭૫ ટકાથી વધુનો બિઝનેસ સાંજનો છે ત્યારે સરકારે અત્યારે રાત્રીના ૯ વાગ્યા સુધી છૂટ આપી છે પરંતુ હોટલ ઇન્ડસ્ટ્રીઝને ૭.૩૦-૮.૦૦ વાગ્યા સુધીમાં તો બંધ કરી દેવું પડે છે જેના કારણે ૧૦-૧૫ ટકા જ વેપાર શરૂ થયો છે. પરિણામે ગુજરાતના ૭૦ ટકાથી વધુ હોટલ અને રેસ્ટોરન્ટ હજુ બંધ હાલતમાં છે.

હોટલ ઇન્ડસ્ટ્રીઝનો બિઝનેસ કોર્પોરેટ સેકટર પર પણ આધારિત છે. કોરોના મહામારીના કારણે આગામી ૩-૬ માસ સુધી કોર્પોરેટ સેકટર દ્વારા બિઝનેસ મળી શકે તેમ નથી. એટલું જ નહિં ડિજિટલ ક્રાંતિના કારણે હવે કોર્પોરેટ મિટિંગ ઝુમ-વેબિનાર દ્વારા થવા લાગી છે જેની સીધી અસર આ ઇન્ડસ્ટ્રીઝના વેપાર પર પડશે. ગુજરાતમાં આવેલી ૪૦,૦૦૦ હોટલોમાંથી લગભગ ૨૦ ટકાથી વધુ નાની હોટલ-રેસ્ટોરન્ટ કાયમ માટે બંધ થઇ જશે.

કેન્દ્ર સરકાર આ સેકટરને એક વર્ષ સુધી ટેકસ હોલિડે આપે તે જરૂરી છે. આ ઉપરાંત સરકાર પાસે પડેલા અનયુઝડ ફંડમાંથી લોન આપવામાં આવે તો પણ નાણાંકિય કટોકટીમાંથી સેકટર બહાર આવી જશે. ઓકટોબર માસ સુધી આ ઇન્ડસ્ટ્રીઝ વેગવંતી બને તેવા સંકેતો નહિંવત્ છે. કેન્દ્ર સરકારે ઉદ્યોગો માટે અનેક રાહત પેકેજની જાહેરાતો કરી છે પરંતુ તેમાં આ સેકટરને સીધો કોઇ જ ફાયદો નથી.

હોટલ-રેસ્ટોરન્ટ તથા રિસોર્ટ ઇન્ડસ્ટ્રીઝને રિવાઇવ થતા ઓછામાં ઓછા એકથી દોઢ વર્ષ લાગી જશે. મેરેજ અથવા અન્ય ફંકશન માટે સરકારે ૫૦ લોકોને એકત્ર થવાનીછૂટ આપી છે. અનલોકમાં ઓછા લોકોથી મેરેજ માટે પુછપરછ શરૂ થઇ છે. સેકટરને આવક કરતા ખર્ચનું પ્રમાણ વદ્યી ગયું છે ત્યારે સરકાર આ સેકટરને અમુક રાહતો આપે તે જરૂરી છે. ગુજરાતમાં મોટા ૨૦-૨૫ રિસોર્ટ આવેલા છે.